કોરોનાના કાળા પડછાયાને કારણે સતત બે વર્ષ સુરત સહિત સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી ફીકી રહી હતી. બે વર્ષ બાદ પૂર્વવત ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવા સુરતીઓ થનગની રહ્યા છે. યુનિક ગણેશ પ્રતિમાઓની સ્થાપનાનો ક્રેઝ હવે ધીરે-ધીરે દેખાવાં લાગ્યો છે. શહેરના શેરી-મોહલ્લા અને સોસાયટીઓમાં અલગ-અલગ થીમ પર ડેકોરેટીવ ગણેશ મંડપ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. એ સાથે અલગ-અલગ થીમ પર ગણેશ પ્રતિમા બનાવવાની શરૂઆત મૂર્તિકારોએ કરી દીધી છે. હવે બસ ગણેશ ભક્તોને ઇંતઝાર છે તો 31 ઓગસ્ટનો જ્યારે ગણેશ ઉત્સવની ધૂમ મચશે. ચાલો આપણે જાણીએ કે સુરતમાં આ વખતે ગણેશ ઉત્સવમાં ગણેશ પ્રતિમાઓમાં શું નવું જોવા મળશે..
2020 વેસ્ટ બોલપેનમાંથી બની ગણેશ પ્રતિમા
સ્કૂલ અને ટ્યૂશન જતાં બાળકો નકામી બોલપેન ફેંકી દેતાં હોય છે. આર્ટિસ્ટ ડિમ્પલભાઈએ સતત ત્રણ વર્ષ સુધી 3થી 4 હજાર વેસ્ટ બોલપેન એકઠી કરી હતી. સ્કૂલ અને ટ્યૂશન જતાં બાળકોને કહ્યુ હતુ કે તેઓ ખાલી થઈ ગયેલી બોલ પેન ફેંકી નહીં દે પણ ગણેશજીની પ્રતિમા બનાવવા માટે આપે. આ રીતે ખાલી બોલપેન એકત્રિત કરી અને 2020 ખાલી બોલપેનથી ગણેશજીની સાડા પાંચ ફૂટ પ્રતિમા બનાવી. આ પ્રતિમા બનાવતા 46 કલાક લાગ્યાં. હોટ ગ્લૂ ગમને હિટ આપી તેમાંથી નીકળેલા લીકવીડથી બોલપેન ચોંટાડીને આ ગણપતિ તૈયાર કરાયા છે. આ ઉપરાંત ટૂંટિયું વાળીને સુતા બાળ ગણપતિની માટીની સાવ નાનકડી પ્રતિમા પણ બનાવી છે જે હથેળીમાં સમાય જાય એટલી નાની બનાવવામાં આવી છે.
પેન્સિલની અણી પર માટીની દોઢ ઇંચની પ્રતિમા
રૂસ્તમપુરા મેઈન રોડ પર રહેતા મિનીએચર આર્ટમાં પાવરધા ડિમ્પલ જરીવાલા વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. તેમણે છોકરાઓએ યુઝ કરેલી પેન્સીલની અણી પર દોઢ ઇંચના ગણપતિ બનાવેલા છે. પેન્સિલની ટોચ પર માટીની પ્રતિમાં બનાવેલી છે. બાળકો પાસેથી યુઝ કરેલી પેન્સીલના ટુકડા પર ડોક્ટર બ્લેડ અને ટાંકણીથી A,B,C,D કોતરીને બનાવતાં બનાવતાં પેન્સીલની ટોચ પર દોઢ ઇંચના માટીના ગણપતિ બનાવવાનો આઈડિયા આવતા ગણેશજીની પ્રતિમા બનાવિને તેને વોટર કલર લગાવ્યો છે. તે ગણપતિ નાના બાળકોની જેમ લસરપટ્ટી પર લપસણી કરતાં બનાવવામાં આવ્યા છે. આ પ્રતિમા તૈયાર કરતા 15થી 20 મિનિટનો સમય લાગ્યો હતો. આ પ્રતિમા ધારીને જોવા માટે આંખ ઝીણી કરવી પડે.
નર્મદા નદીમાંથી લાવેલા પથ્થર પર બનાવ્યા ગણપતિ
રૂસ્તમપુરામાં રહેતાં ચેતાલી દામવાલા અને તેમના પતિ એક વખત ફરવા ગયેલાં ત્યારે નર્મદા નદીમાંથી તેઓ એક કિલો 700 ગ્રામનો ગોળ આકારનો પથ્થર લાવ્યાં હતાં. તેમના સ્ટુડન્ટ પૂજા પેચીવાલાએ આ પથ્થર પર ગણેશજી નું પેઇન્ટિંગ કર્યું છે. પથ્થર પર પહેલાં વ્હાઇટ કલર એપ્લાઈ કર્યો હતો એ સુકાતા ઓરેન્જ, બ્લુ,રેડ,યેલો ફેબ્રિક કલરથી ગણેશજીનું ડ્રોઇંગ બનાવેલું છે. પૂજા સલાબતપુરામાં રહે છે. અહીં પીપરડી શેરીમાં આ શ્રીજીની ગોળ પ્રતિમાને વિરાજમાન કરી દસ દિવસ તેની પૂજા કરાશે. આ પથ્થરમાં ગણેશજીનું ડ્રોઈંગ કરતા પૂજાને 4 દિવસ લાગ્યા હતાં. આ પ્રતિમાનું દસ દિવસ બાદ વિસર્જન નહીં કરવામાં આવે પણ તેને કાયમ રાખવામાં આવશે. પૂજા આ પ્રતિમા ટીચર ચેતાલી દમવાલાને ગિફ્ટ તરીકે પાછી આપશે. આ પથ્થર એક કિલો 700 ગ્રામ જેટલો વજનનો છે.