સુરત: (Surat) ગ્રીષ્મા હત્યા કાંડમાં એક પછી એક નવી વાતો જાણવા મળી રહી છે. ફેનિલ ગ્રીષ્માની (Grishma) હત્યા માટે પહેલેથી જ પૂરી તૈયારી સાથે ગયો હતો. ગ્રીષ્મા અને તેના પરિવારની હત્યા (Murder) કરવા માટે ફેનીલે બે પ્લાન તૈયાર કર્યા હતા. પોલીસની તપાસમાં આ વિગતો બહાર આવી છે. પોલીસ પણ ફેનીલે કરેલા માઇક્રો પ્લાનિંગથી ચોંકી ગઇ છે. ગ્રીષ્માના હત્યારા ફેનીલ દ્વારા 3 મહિના પહેલાથી હત્યાનો પ્લાન બનાવાયો હતો. તેમાં પ્લાન એ અને પ્લાન બી તૈયાર કરાયા હતા. જો ફેનીલને કોઇ રોકે કે પકડે તો તેનું ઢીમ ઢાળી દેવાનો તેનો પ્લાન હતો. તેની પાસે એક સાથે બે ચાકૂ હતા. એક ચાકુ (Knife) તેણે કમરના ભાગે લટકાવ્યું હતું.
- હત્યા પહેલા લોકો ચપ્પુ સાથે પકડે તો શું કરવું? ફેનીલે પ્લાન બી પણ તૈયાર રાખ્યો હતો
- ફેનીલે પોતાની પાસે બે ચપ્પુ રાખ્યા હતા, એક પકડાઈ જાય તો બીજાથી હત્યા કરવાનો હતો
- ફેનીલને જો કોઇ પકડવાની કોશિષ કરતે તો કદાચ તેનો જીવ પણ ચાલ્યો ગયો હોત
કમર પરનું ચાકુ જે પકડે તેની હત્યા કરવા માટે હતું
સીટના તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો ગ્રીષ્માને બચાવી લેવામાં આવતે તો પણ ફેનીલનો બીજો પ્લાન નકકી હતો. તેમાં જો કોઇ સંજોગોમાં તેની પાસેથી ચાકૂ લઇ લેવામાં આવતે તો તેની પાસે બીજુ ચાકુ કમરના ભાગે હતું. આ ચાકૂ તે તેને પકડનાર કે ગ્રીષ્માને બચાવનાર વ્યકિતને મારવા માટે વાપરવાનો હતો. આ ઉપરાંત આ બીજા ચાકૂ વડે તે ગમે તે રીતે ગ્રીષ્મા સુધી પહોંચી જવાની તૈયારીમાં હતો. આ ઉપરાંત ગ્રીષ્માનું મૃત્યુ ન થાય ત્યાં સુધી તેની પાસે જ ઉભા રહેવાનો તેનો પ્લાન હતો. ફેનીલનો પ્લાન એ સફળ રહ્યો હતો. ફેનીલને જો કોઇ પકડવાની કોશિષ કરતે તો કદાચ તેનો જીવ પણ ચાલ્યો ગયો હોત.
ગ્રીષ્માના હત્યારા ફેનીલના 3 દિવસના રિમાન્ડ પુરા થતાં લાજપોર જેલમાં ધકેલાયો
કામરેજ : પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થતા આજે તેને કઠોર કોર્ટમાં રજૂ કરાયો હતો. કામરેજ કોઇપણ રિમાન્ડ નહીં માંગતા ફેનિલને લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ કેસની વિગત મુજબ કામરેજ તાલુકાના ખોલવડ ગામની હદમાં પાસોદરા પાટીયા પાસે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી 21 વર્ષીય ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરીયાની કાપોદ્રામાં રહેતા ફેનિલ પંકજભાઇ ગોયાણીએ ગળાના ભાગે ચપ્પુ મારીને ઘાતકી હત્યા કરી નાંખી હતી. હત્યાનો આ વીડિયો સોશીયલ મીડિયામાં વાઇરલ થયો હતો. પોલીસે ફેનિલની ધરપકડ કરીને તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસે ઘટના સ્થળે હાજર લોકોના નિવેદનો સાથે ફેનિલને ઘટના સ્થળે લઇ જઇને ઘટનાનું રિ-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું, ફેનિલને ગાંધીનગર લઇ જઇને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી પણ કરાવી હતી. આ રિપોર્ટ આગામી ત્રણ દિવસમાં આવે તેવી શક્યતા છે. ફેનિલના ત્રણ દિવસના રિમાન્ડ આજે પૂરા થતાં જ તેને ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો. હાલમાં મોટાભાગની તપાસ થઇ ગઇ હોય, કામરેજ પોલીસે વધારાના રિમાન્ડ માંગ્યા ન હતા, આ સાથે જ ફેનિલને લાજપોર જેલમાં મોકલી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આગામી બે-ત્રણ દિવસમાં ફેનીલની સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.