સુરતઃ (Surat) રાંદેર રામનગર ખાતે ભિક્ષુક ગૃહની પાછળ ઝાડી-ઝાંખરામાં ગત 13 તારીખે અજાણી મહિલાની કોહવાયેલી લાશ મળી હતી. મહિલાની ઓળખ ઝાલોદની સીતા હોવાની થઈ છે. સીતાની હત્યા (Murder) તેને ભગાવીને સુરત લઈ આવેલા પરિણીત પ્રેમીએ જ કરી હોવાનું સામે આવતાં રાંદેર પોલીસે (Rander Police) હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
રાંદેર પોલીસ પાસેથી બનાવ અંગે મળતી માહિતી મુજબ ઝાલોદના કદવાલ ગામના ખેડા ફળિયામાં રહેતા અને ખેત મજૂરી કરતા રમેશભાઇ હીંગાભાઈ વસૈયાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં તેમની દીકરી સીતાની હત્યાની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રમેશભાઈની નાની દીકરી સીતા (ઉ.વ.૨૫) ના ચાર વર્ષ પહેલા ઝાલોદના વાક ગામમાં લગ્ન થયા હતા. લગ્ન ગાળા દરમિયાન તેને સંતાનમાં એક બે વર્ષનો પુત્ર છે. સીતાને ગામમાં રહેતા રાકેશ પીદાભાઈ સંગાડા સાથે પ્રેમસંબંધ હોવાથી પુત્રને મૂકીને રાકેશ સાથે બે મહિના પહેલા સુરત ભાગી આવી હતી. સુરતમાં રામનગર ભીક્ષુક ગૃહ પાસે ફૂટપાથ ઉપર ઝૂંપડામાં રહેતી હતી. ગત ૧૪ ફેબ્રુઆરીએ સીતાનો ભાઈ હિતેશ ગામથી લીલા મકાઈના ડોડા આપવા માટે સુરત આવ્યો હતો. ત્યારે તેની બહેન સીતા તેને મળી ન હતી. સાંજે તે પરત એને મળવા આવ્યો ત્યારે પણ તે ન્હોતી. દરમિયાન સામે રહેતા દુકાનદારે હિતેશને કહ્યું હતું કે આ ઝૂંપડામાં રહેતી મહિલાનું મોત થયું છે અને તેનો પતિ પણ ગાયબ છે. પોલીસ મહિલાની લાશ સિવિલમાં લઇ ગયા હોવાનું કહેતાં હિતેશના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અને તેને પરિવારજનોને જાણ કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં પોલીસ સાથે જઈ નવી સિવિલમાં લાશની ઓળખ કરી હતી.
રાંદેર પોલીસ ને 13 તારીખે સીતાની કોહવાયેલી લાશ અજાણી મહિલા તરીકે ઝાડી ઝાંખરામાં મળી આવી હતી. અજાણ્યો મૃતદેહ હોવાથી નવી સિવિલમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન હિતેશ અને તેના પરિવારે પોલીસનો સંપર્ક કરી તેની ઓળખ કરતા તે મૃતદેહ સીતાનો હોવાનું સામે આવ્યું હતું. સીતા રાકેશ સંગાડા સાથે ભાગીને સુરત આવી હતી. રાકેશ પોતે પરિણીત છે અને તેને સંતાન હોવાનું સીતાના પરિવારજનોએ જણાવ્યું હતું. જેથી રાંદેર પોલીસે રાકેશ સંગાડાની સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.
પરિણીતાના મામાને 2 હજાર રૂપિયા આપવા બાબતે હત્યા કરી
રાંદેર પોલીસે જે તે સમયે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. મહિલાના મામાએ 2 હજાર રૂપિયા માંગ્યા હતા. આરોપી રાકેશે તેને રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ સીતાએ તે રૂપિયા પરત નહીં આપશે એટલે રૂપિયા નહીં આપવા કહ્યું હતું. રાકેશે પોતે વાયદો કર્યો હોવાથી રૂપિયા આપવાની જીદ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. સીતાએ ચપ્પલ વડે રાકેશને મારતા રાકેશે પણ તેને તમાચા માર્યા હતા. રીસાઈને સીતા પાછળ મેદાનમાં જતા રાકેશ તેની પાછળ ગયો હતો. ત્યાં પણ ઝઘડો થતા રાકેશે સીતાનું ગળું દબાવતા તે બેભાન થઈ ગઈ હતી. ગભરાઈને રાકેશે સીતાને ઝાડીઓમાં ફેંકી તેની ઉપર ઝાખરા નાખી દીધા હતા.