સુરત: (Surat) ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનની (Gujarat Diamond Worker Union) ફરિયાદને પગલે માત્ર કતારગામ ઝોનમાં આવેલી 21 ડાયમંડ કંપનીમાં (Diamond Company) સર્ચ (Search) કાર્યવાહી કરી જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટે ફેક્ટરી એક્ટનો ભંગ કરવા બદલ 21 કંપની સામે કેસ (Case) નોંધ્યો છે. નવાઈની વાત એ છે કે, 21 પૈકી 13 ડાયમંડ કંપની લાઇસન્સ (License ) વિના ધમધમતી હતી. સમાજમાં ઊજળા થઈને ફરતા સુરતના ટોચના હીરા ઉદ્યોગકારો રત્નકલાકારોનું શોષણ કરતાં હોવાનો ઘટસ્ફોટ સરકારના જ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવતાં હીરા ઉદ્યોગમાં હોબાળો મચી ગયો છે.
- જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટે ફેક્ટરી એક્ટનો ભંગ કરવા બદલ 21 કંપની સામે કેસ કર્યો
- સુરતની 13 ડાયમંડ કંપની લાઇસન્સ વિના ધમધમતી હતી
- મોટાભાગની તો જાણીતી ડાયમંડ કંપનીની સાઈટ હોલ્ડર છે
વિભાગ દ્વારા 21 કંપની પૈકી મોટા ભાગની કંપનીઓ સામે હાજરીપત્રક, પગારપત્રક મેન્ટેઇન ન કરવા, ઓળખકાર્ડ, હક્ક રજા કાર્ડ રત્નકલાકારોને નહીં આપવા, ઓવર ટાઈમ રજિસ્ટર ન નિભાવવા અને કામના કલાકોની નોટિસ પ્રદર્શિત નહીં કરવા સામે કેસ નોંધવામાં આવ્યા છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરીના અધિકારી એસ.જી.પટેલે આ કંપનીઓ સામે આકરી કાર્યવાહી કરી છે. 21 પૈકી 13 કંપની સામે કારખાનેદારો સામે અધિનિયમ 1948ની કલમ-62(1) અને 1963ના નિયમ-3 અને 4 હેઠળ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, રત્નકલાકારોને ફેક્ટરી એક્ટ મુજબ કાયદાકીય રીતે મળેલા લાભો અને અધિકારો એવી ડાયમંડ કંપનીઓએ આપ્યા નથી. જે વિશ્વની જાણીતી ડાયમંડ કંપનીઓના સાઇટ હોલ્ડર છે. સુરતમાં હજારો રત્નકલાકારોને મજૂર કાયદાના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. ચમકતા હીરાના વેપારની રોશનીમાં રત્નકલાકારોનું શોષણ થઈ રહ્યું છે. સરકારી વિભાગો તપાસ કરી નોટિસ અને કેસ જેવી કાર્યવાહી કરે છે. પણ કાયદામાં ફોજદારી કરવાની જોગવાઈનો અમલ કરતા નથી કે કાયમી ધોરણે કારીગરોને લાભ મળે એવું આયોજન કરતા નથી. જે કાર્યવાહી થઈ છે. અમારી ફરિયાદ પર થઈ છે. સરકારી વિભાગો જાતે ઇનિશિએટિવ લઈ કોઈ કામગીરી કરતા નથી. સરકારની નાક નીચે 13 કંપની ફેક્ટરી એક્ટના લાઇસન્સ વિના ચાલતી હતી. મજૂર કાયદાઓની જોગવાઈ મુજબ રત્નકલાકારોને પીએફ, બોનસ, પગાર સ્લીપ, હક રજા, ઓળખપત્ર, ગ્રેચ્યુઇટી, ઈએસઆઈ, ઓવરટાઈમનો અલગ પગાર, મોંઘવારી ભથ્થાનો લાભ આપવાનો હોય છે.
ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરી દ્વારા ડાયમંડ કંપનીઓ પર આ આરોપ મૂકવામાં આવ્યા
- એચવીકે ડાયમંડ: હાજરીપત્રક, પગારપત્રક ન નિભાવવા, ઓળખકાર્ડ અને હક્કરજા કાર્ડ રત્નકલાકારોને ન આપવા.
- શ્રી હરિ મેન્યુફેક્યરિંગ: હાજરીપત્રક ન નિભાવવા બદલ, ગુજરાત કારખાનાના નિયમો ૧૯૬૩ના નિયમ-૩ એ તથા નિયમ-૪ મુજબ લાઇસન્સ અરજી ન કરવા બદલ કેસ નોંધાયો.
- મારુતિ ડાયમંડ: હાજરીપત્રક ન નિભાવવા લાઇસન્સ અરજી ન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી.
- એમ.આર.ડાયમંડ: હાજરી પત્રક ન નિભાવવા બદલ, લાયસન્સ અરજી ન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી
- અનામી ડાયમંડ: લાલ બિલ્ડિંગની બાજુમાં, નંદુડોશીની વાડી, કતારગામ ગુજરાત કારખાનાના નિયમો ૧૯૬૩ના નિયમ-3 એ તથા નિયમ-૪ મુજબ લાઇસન્સ અરજી ન કરવા બદલ કેસ દાખલ.
- શ્રીજી જેમ્સ: પગારપત્રક, હાજરીપત્રક ન નિભાવવા બદલ, કામના કલાકોની નોટિસ ન પ્રદર્શિત કરવા, કારીગરોને ઓળખકાર્ડ અને હક્કરજા કાર્ડ ન આપવા
- માતુશ્રી ઈમ્પેક્સ: લાઇસન્સ અરજી ન કરવા બદલ કાર્યવાહી
- જે.બી.એન્ડ બ્રધર્સ ડાયમંડ: પગારપત્રક, હાજરીપત્રક અને ઓવરટાઇમ રજિસ્ટર ન નિભાવવા બદલ, કામના કલાકોની નોટિસ ન પ્રદર્શિત કરવા બદલ, હક્કરજાપત્રક ન નીભાવવા બદલ કેસ દાખલ.
- સૃષ્ટિ ડીયામ: હાજરીપત્રક ન નિભાવવા બદલ, ગુજરાત કારખાનાના લાઇસન્સ અરજી ન કરવા બદલ કેસ કરેલ છે.
- કિતુજ કોર્પોરેશન: હાજરીપત્રક ન નિભાવવા લાઇસન્સ અરજી ન કરવા બદલ કેસ.
- રિંકલ ડાયમંડ: લાઇસન્સ અરજી ન કરવા બદલ કેસ દાખલ.
- હરેકૃષ્ણ જેમ્સ: હાજરીપત્રક ન નિભાવવા, લાઇસન્સ અરજી ન કરવા બદલ કેસ.
- મેરૂલિયા બ્રધર્સ: હાજરીપત્રક ન નિભાવવા બદલ, કામના કલાકોની નોટિસ ન પ્રદર્શિત કરવા બદલ, શ્રમયોગીઓને ઓળખકાર્ડ અને હક્કરજા કાર્ડ ન આપવા બદલ કાયદેસરની કાર્યવાહી.
- શ્રી હરિ જેમ્સ: હાજરીપત્રક ન નિભાવવા, લાઇસન્સ અરજી ન કરવા બદલ કેસ.
- આર.એમ.વી. ઇમ્પેક્સ: હાજરીપત્રક ન નિભાવવા, લાઇસન્સ અરજી ન કરવા બદલ કેસ દાખલ.
- પાનસુરીયા ઇમ્પેક્સ: હાજરીપત્રક, ઓવરટાઇમ રજિસ્ટર ન નિભાવવા બદલ, કામના કલાકોની નોટિસ ન પ્રદર્શિત કરવા બદલ, શ્રમયોગીઓને ઓળખકાર્ડ અને હક્કરજા કાર્ડ ન આપવા.
- કાર્પ ઇમ્પેક્સ: હક્ક રજા કાર્ડ ન આપવા બદલ કાયદેસરની કાર્યવાહી કરાઈ.
ડાયમંડ કંપનીઓ પાસે લાઈસન્સ નહીં હોવું ગંભીર બાબત: ભાવેશ ટાંક
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંકે કહ્યું કે, મજુર કાયદા મુજબ જે કંપનીમાં 20 કે તેનાથી વધારે કામદારો કામ કરતા હોય તે ફેકટરીએ (ફેકટરી એકટ-1948)એટલે કે કારખાના ધારા હેઠળ પોતાની કંપની ની નોંધણી કરાવી લાઇસન્સ ફરજિયાત લેવુ પડે છે પરંતુ હીરાઉદ્યોગમાં ફેકટરીઓ વગર લાઈસન્સએ કારખાનાઓ ચલાવી મસમોટુ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ કૌભાંડથી સરકાર ની તેજોરીને મોટુ નુકશાન થઈ રહ્યુ છે અને બીજી તરફ ફેકટરીમાં કામ કરતા રત્નકલાકારોના હિતોને પણ નુકશાન પહોંચાડવાનું આયોજનપૂર્વકનુ કૌભાંડ ચાલી રહ્યુ છે અમે જે કતારગામ ની 21 કંપની ઓની ફરિયાદ કરી તેમા 13 કંપની ઓ પાસે તો ફેકટરી એકટ હેઠળ નુ લાઇસન્સ જ નથી જે ખૂબ ગંભીર બાબત છે.