મેટ્રો રેલને કારણે તેના રૂટની આસપાસ આવેલી બિલ્ડિંગોમાં ધ્રુજારી અનુભવાશે તેવી સુરતવાસીઓએ સ્હેજેય દહેશત રાખવાની જરૂરીયાત નથી. સુરતમાં દોડનારી મેટ્રો રેલ માટે જીએમઆરસી દ્વારા ટોપોગ્રાફી સરવે અને જીઓટેકનિકલ સરવે કરવામાં આવશે. આ બે સરવેના આધારે મેટ્રો રેલના રૂટ માટેની ડિઝાઈન તૈયાર કરવામાં આવશે. બે જ દિવસમાં જીઓટેકનિકલ ઈન્વેસ્ટિગેશનની કામગીરી શરૂ થઈ જશે. જ્યારે સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથમ રૂટનો ટોપોગ્રાફી સરવે હવે પુરો થવાની તૈયારીમાં છે. ત્રણ જ દિવસમાં સુરતવાસીઓને મેટ્રો રેલની કામગીરી શરૂ થઈ ગઈ છે તેનો અનુભવ થવા લાગશે.
સુરત માટે સપના સમાન મેટ્રો રેલની કામગીરી હવે ધીરેધીરે જોર પકડી રહી છે. મેટ્રો રેલ માટે હેવી સ્ટ્રકચર બનાવવાનું હોવાથી મેટ્રો રેલ દોડાવતાં પહેલા તેના હેવી સ્ટ્રકચરથી આસપાસની બિલ્ડિંગોને અસર નહીં થાય તે માટે સરવે કરવો જરૂરી હોય છે. મેટ્રો રેલ માટે ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યા બાદ જીએમઆરસી દ્વારા મેટ્રો રેલના પ્રથમ સરથાણાથી ડ્રીમ સિટીના રૂટ માટે ટોપોગ્રાફી સરવે શરૂ કરવામાં આવ્યો હતો. ટોપોગ્રાફી સરવેમાં જે તે રોડનો મેપ તૈયાર કરાશે. જ્યાંથી રૂટ પસાર થાય છે ત્યાંની આસપાસ કેવી અને કેટલી બિલ્ડિંગો આવી છે? રોડનું લેવલ કેટલું છે? કેટલી સર્વિસિસ આવે છે તે સહિતનો સરવે કરવામાં આવશે.
ટોપોગ્રાફી સરવેની સાથે આગામી બે દિવસમાં જીઓ ટેકનિકલ ઈન્વેસ્ટિગેશન પણ આગામી તા.5મીથી શરૂ કરવામાં આવશે. આ ઈન્વેસ્ટિગેશનમાં દર 200થી 250 મીટરના અંતરે માટીની ગુણવત્તા ચકાસવામાં આવશે. માટીની ગુણવત્તા અને જે રૂટમાં સ્ટ્રકચર તૈયાર થવાનું છે તેનો અભ્યાસ કરીને જે તે સ્ટ્રકચરની ડિઝાઈન પણ નક્કી કરવામાં આવશે. હાલમાં સરથાણાથી ડ્રીમ સિટીના રૂટ માટે ટોપોગ્રાફી સરવે થઈ ગયો છે. આગામી દિવસોમાં ભેંસાણથી સરોલી સુધીના રૂટ માટે પણ ટોપોગ્રાફી સરવે શરૂ કરવામાં આવશે.
જીએમઆરસીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હાલમાં ટોપોગ્રાફી સરવે અને જીઓટેકનિકલ ઈન્વેસ્ટિગેશનમાં સમય જશે. પરંતુ એક વખત ડીઝાઈન નક્કી થઈ ગયા બાદ મેટ્રો રેલ માટેની કામગીરી અતિ ઝડપી બનશે. મેટ્રો રેલમાં 95 ટકા જમીન સરકારી છે. જ્યારે 5 ટકા જ જમીન ખાનગી હોવાથી મેટ્રો રેલ માટે ઝડપથી કામગીરી કરી શકાશે. આગામી બે દિવસમાં સુરતમાં રોડ પર આડશો ઉભી કરીને મેટ્રો રેલ માટેની કામગીરી શરૂ થઈ જશે. લોકોને દેખાશે કે મેટ્રો રેલની કામગીરી શરૂ થઈ ગઈ છે.
ટનલ પર એક મીટરનું આરસીસી લેયર હોવાથી અંડરગ્રાઉન્ડ મેટ્રો પસાર થશે ત્યારે ધ્રુજારી નહીં લાગે
સુરતમાં ડ્રીમ સિટીથી સરથાણા સુધીના રૂટમાં 7 કિ.મી.નો એવો રૂટ છે કે જેમાં મેટ્રો રેલ અંડરગ્રાઉન્ડ જશે. અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે આધુનિક મશીનથી ટનલ ખોદવામાં આવશે. આ ટનલ સાડા છ મીટર વ્યાસની હશે. જેની પર એક મીટરનું આરસીસીનું લેયર કરવામાં આવશે. ટનલ પર એક મીટરના લેયરને કારણે જ્યારે મેટ્રો રેલ ચાલશે ત્યારે જમીનની ઉપર આવેલી ઈમારતોને ધ્રુજારી લાગશે નહીં. જ્યારે ટનલ ખોદવામાં આવશે ત્યારે પણ ધ્રુજારી અનુભવાશે નહીં તેમ જીએમઆરસીના ઈજનેરો દ્વારા જણાવવામાં આવ્યું છે.