ઈન્દોર: ભારતના (India) સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં કાર્યક્રમોમાં ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય અને તેનો વ્યવસ્થિત નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા માટે ‘ઝીરો-વેસ્ટ’ (Zero-waste) વેડિંગ ફંક્શનનો (Wedding Function) ખ્યાલ પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. એમ એક મ્યુનિસિપલ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. જે રીતે ઈન્દોરમાં (Indore) આ શરૂ કરાયું છે તેવી જ રીતે સુરતમાં પણ શરૂ કરવું જોઈએ.
- ઈન્દોરમાં લગ્ન પ્રસંગે કચરો ઘટાડવા ‘ઝીરો-વેસ્ટ’ વેડિંગ કોન્સેપ્ટનો પ્રચાર, સુરતમાં ક્યારે?
- ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીના તાજેતરના લગ્ન સમારંભ દરમિયાન, તમામ પર્યાવરણને અનુકૂળ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
- સુરતમાં લગ્નોમાં વસ્તુઓનો ખુબ બગાડ કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થોથી માંડીને છેક સુશોભન માટે વાપરવામાં આવેલા ફુલોને પણ કચરામાં નાખી દેવામાં આવે છે
- સુરતમાં પણ આવી રીતે ‘ઝીરો વેસ્ટ વેડિંગ’નો કોન્સેપ્ટ શરૂ કરાય તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવી શકે
અધિકારીએ અહીં મધ્યપ્રદેશમાં જણાવ્યું હતું કે, ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના (આઇએમસી) કર્મચારી સિદ્ધાર્થના તાજેતરના લગ્ન સમારંભ દરમિયાન, તમામ પર્યાવરણને અનુકૂળ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ભોજન પીરસવા માટે વપરાતા સામાન અને મહેમાનો માટે સ્વાગત બેનરોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, આઇએમસી કે જે ‘ઝીરો-વેસ્ટ’ વેડિંગ કોન્સેપ્ટને પ્રોત્સાહિત કરી રહી છે, તેણે નવા પરિણીત યુગલને ‘હોમ કમ્પોસ્ટિંગ કીટ’ પણ ભેટમાં આપી અને આ પ્રસંગે મહેમાનોને ભીના કચરાનો સ્થળ પર જ નિકાલ કરીને તૈયાર કરેલા ખાતરનું વિતરણ કર્યું હતું.
આઇએમસીની મદદ સાથે ઈન્દોરમાં ‘સ્વાહા’ સ્ટાર્ટ અપ લોન્ચ કરનાર ઉદ્યોગસાહસિક સમીર શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં, અમે બે ઝીરો-વેસ્ટ લગ્નોનું આયોજન કર્યું છે અને અમે આગામી બે મહિનામાં અહીં લગભગ 200 લગ્ન સમારોહમાં સમાન ખ્યાલનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું છે. તેમણે જણાવ્યું કે, ‘3આર’ (રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ) સ્વચ્છતા સૂત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આવા કાર્યક્રમોમાં પ્લાસ્ટિક, થર્મોકોલ અને સ્ટાયરોફોમ ઉત્પાદનોનો ઉપયોગ થતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં લગ્નોમાં વસ્તુઓનો ખુબ બગાડ કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થોથી માંડીને છેક સુશોભન માટે વાપરવામાં આવેલા ફુલોને પણ કચરામાં નાખી દેવામાં આવી છે. સુરત મનપાના સત્તાધીશોએ આ બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ.