સુરત : સચિન GIDC માં જન્મ દિવસ ના 10 દિવસ પહેલા જ યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. એટલું જ નહીં પણ મોબાઇલની જીદ યુવકને આપઘાત સુધી લઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. પરિવારે કહ્યું હતું કે જન્મ દિવસના ગિફ્ટ તરીકે મોબાઇલ અપાવવાની વાત થઈ પણ હતી. જોકે આજે જ જોઈએ એ વાત ને પકડી રાખતા માતા એ ઠપકો આપ્યો હતો. તેનું માથું લાગી આવતા યુવકે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
કૃણાલ (મૃતકનો મોટો ભાઈ) એ જણાવ્યું હતું કે પરિવારમાં પારસ નાનો અને લાડકો દીકરો હતો. માતા પિતા અને હું નોકરી કરી ઘરની તમામ જવાબદારી નિભાવવાની સાથે પારસની ઈચ્છાઓ પણ પુરી કરતા હતા. પિતા વતન યુપી ગયા હતા. માતા અને હું કામ પર હતા. આવા સમયમાં એકલતાનો લાભ લઇ પારસ એ રૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના બુધવારની સાંજની છે. પોલીસને જાણ કરતા મૃતદેહ સિવિલ ખસેડાયો હતો. વતન ગયેલા પિતાને ઘટનાની જાણ થતા આઘાત લાગ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે પિતા રેપીયર મશીન ઓપરેટર છે. માતા અને હું પણ કામ કરીએ છે. પારસ લોકડાઉન બાદ અભ્યાસ છોડી ઘરમાં જ રહેવાનું પસંદ કરતો હતો. નવા મોબાઇલ લેવા જીદ પકડી ને બેઠો હતો. માતા એ તેને મોબાઇલ બર્થ-ડે ગિફ્ટમાં અપાવવાની વાત પણ કરી હતી.
ગુરુવારે બધા જ કામ પર નીકળી ગયા હતા. ત્યારબાદ આ ઘટના બની હતી. પારસ ને દરેક બાબતે સમજ આપવામાં આવતી હતી. કામ કર નહીંતર અભ્યાસ કરી કેરિયર બનાવવા પરિવાર પ્રોત્સાહન પણ આપતું હતું. કોઈ મિત્રો સાથે પણ તેનું વધારે બનતું ન હતું. હાલ પોલીસ તપાસ કરી રહી છે. પિતા વતનથી સુરત આવે પછી અંતિમ સંસ્કાર કરીશું એવું કૃણાલ એ જણાવ્યું હતું.