સુરત: (Surat) માર્કેટમાં પાર્ટીઓનાં ઉઠામણાંથી (Cheating) સજાગ થયેલા સાઉથ ગુજરાત યાર્ન ડીલર્સ એસોસિએશને (South Gujarat Yarn Dealers Association) 8000 કરોડનો યાર્નનો (Yarn) વેપાર સલામત રાખવા દેશની જાણીતી કંપની પાસે સિબિલની (CIBIL) તર્જ પર સોફ્ટવેર (Software) ડેવલપ કરાવ્યું છે. એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ પંકેશ પટેલ અને તત્કાલીન પ્રમુખ અનિલ દલાલે જણાવ્યું હતું કે, કેટલાક વિવરો (Weavers) અને વેપારીઓ (Traders) એક ડિલરનું પેમેન્ટ (Payment) બાકી રાખી બીજા ડીલર અને એ પછી ત્રીજા ડીલર પાસે યાર્ન લઇ ડિલરના માલની મૂડી પર વેપાર કરતા હોય છે. આ સોફ્ટવેર ડિલરોને નાણાં બાકી રાખતાં વિવર કે વેપારીની માહિતી મળી શકે એ માટે ડેવલપ કરાવ્યું છે. કઈ પાર્ટી પાસે યાર્ન ડિલરને કેટલા રૂપિયા લેવાના બાકી છે તે આ સોફ્ટવેરથી જાણી શકાશે. આ સોફ્ટવેર વેપાર પહેલા વિવર અને વેપારીનો કસ્ટમર ક્રેડિટ રિપોર્ટ (સીસીઆર) દર્શાવશે. જે વેપારી સમયસર પેમેન્ટ નહીં આપવાની કુટેવ ધરાવતો હશે એની સાથે યાર્ન ડીલર વેપાર ટાળશે. સાઉથ ગુજરાત યાર્ન ડીલર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં આ નિર્ણયની માહિતી સભ્યોને આપવામાં આવી હતી, જેમાં નવ નિયુક્ત પ્રમુખ પંકેશ પટેલ, સેક્રેટરી રોહિત અગ્રવાલ, જો.સેક્રેટરી વિશાલ પટેલ, ખજાનચી હર્ષવર્ધન અગ્રવાલ, SRTEPCના ચેરમેન ધીરુભાઇ શાહ, ફાઉન્ડર પ્રમુખ રાજેશ વેકરિયા, લલિત ચાંડક, એડ્વાઇઝરી બોર્ડના ચેરમેન આનંદ બક્ષી ઉપસ્થિત રહ્યા હતા.
જીએસટી નંબર, મોબાઈલ નંબર નાંખતા જ યાર્ન ડીલર વિવર, વેપારીનો સ્કોર જાણી શકશે
પંકેશ પટેલ અને તત્કાલીન પ્રમુખ અનિલ દલાલ કહે છે કે, યાર્ન ડીલરોના વેપારીઓ અને વિવર સાથે વર્ષો જૂના સંબંધ છે. માત્ર 5-7 ટકા લોકો જ નીતિમત્તાથી વેપાર કરતા નથી. આ સોફ્ટવેર ઓપરેટ કરવા માટે અમારા એસોસિએશન દ્વારા ડેટા જોવા માટે લોગ ઇન અને આઈડી પાસવર્ડ આપવામાં આવશે. વિવર-વેપારીના રૂપિયા કેટલા ડિલરના, કેટલા મહિનાઓથી બાકી છે તે તરત જાણી શકાશે.
યાર્ન ડિલરના વર્ષે 8થી 10 કરોડ ઉઠામણાંમાં ડૂબે છે
અનિલ દલાલે જણાવ્યું હતું કે, વિવર્સ, ટ્રેડર્સની જેમ યાર્ન ડીલર પણ વર્તમાન પેમેન્ટ સિસ્ટમમાં સલામત નથી. યાર્ન ડિલરના વર્ષે 8થી 10 કરોડ ઉઠામણાંમાં ડૂબે છે. વર્ષે 40થી 50 લાખ ડિલરના સામાન્ય રીતે રિકવર થતા નથી. આ પ્રકારના પ્રશ્નો માટે એસો.એ બ્લેક હોલ કમિટી બનાવી છે. જે લવાદથી મામલા નિપટાવે છે.