સુરત: (Surat) અડાજણ વિસ્તારની સોસાયટીમાં શંકાસ્પદ રીતે ફરતી મહિલા (Woman) અને બાળકીને સોસાયટીના રહીશોએ જોઈ જતા મહિલા અને બાળકી રીક્ષામાં બેસીને ભાગી હતી. મજુરાગેટ પાસે મોપેડ પર પીછો કરીને આવેલા વ્યક્તિએ તેમને પકડી લેતા પકડાયેલી મહિલાએ પેટમાં દુ:ખાવો કહી હોબાળો કરતા તેને નવી સિવિલમાં ખસેડાઈ હતી.
ઘટના અંગે મળતી માહિતી મુજબ અડાજણ ખાતે અનુરાગ સોસાયટીમાં મહિલા ચોરી (Theft) કરવાના ઇરાદે ઘુસી હતા. મહિલાની હરકતો શંકાસ્પદ જણાતા સોસાયટીના રહીશો તેને જોઈ ગયા હતા. મહિલાઓનું ટોળું એક પછી એક બંગલામાં ઘુસીને ચોરીનો પ્રયાસ કરી રહ્યું હતું. એટલામાં એક બંગલામાંથી બૂમાબૂમ થતા બધી મહિલાઓ, યુવતીઓ ભાગી ગઈ હતી. બે ગ્રુપમાં વિખેરાઈને અલગ અલગ રસ્તે ભાગેલી મહિલાઓ પ્રાઈમ માર્કેટ પાસેથી રિક્ષામાં બેસીને મજુરાગેટ ભાગી ગઈ હતી. મહિલાને મોપેડ પર પીછો કરીને આવેલા નાગરિકે ઝડપી પાડતા મહિલાએ પેટમાં દુઃખાવો થતો હોવાનું કહી હોબાળો કર્યો હતો. બન્નેને 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અને બાદમાં અડાજણ તથા અઠવા પોલીસને જાણ કરાઈ હતી.
તમાલીનાડુ બેંક સાથે રૂા. 16.51 કરોડની ઠગાઇ કરનાર બેંક મેનેજર સહિત 9 ઝડપાયા
સુરત : ધી તમાલીનાડુ બેંકની સાથે રૂા. 16.51 કરોડની ઠગાઇ કરવાના ચકચારીત કેસમાં તત્કાલીન બેંક મેનેજર, વેલ્યુઅર સહિત કુલ્લે 9 આરોપીઓને ઇકોસેલએ પકડીને સલાબતપુરા પોલીસને સોંપ્યા હતા. સલાબપુરા પોલીસે આ તમામને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રીંગરોડ ઉપર કિન્નરી સિનેમાની પાસે આવેલી ધી તામિલનાડુ મર્કન્ટાઇલ કો.ઓ. બેંક લિમીટેડઉમરવાડા પાસે સિધ્ધિ વિનાયક એસ્ટેટના માલિક વિજય વિનુભાઇ ફીણવીયા તેમજ અન્ય 21 લોકો મળી કુલ્લે 22એ ભેગા થઇને બેંકમાં અલગ અલગ મિલકતો તેમજ મશીનરીના કોટેશન અને બીલો મુકીને રૂા. 16.51 કરોડની લોન લીધી હતી. 22 આરોપીઓ પૈકી 17 આરોપીઓએ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા અને લોન લીધી હતી, જ્યારે આલોન મંજૂર કરવામાં બેંકના તત્કાલીન મેનેજર સુંદર રાજેન્દ્ર સુબ્બિયાહ તેમજ વેલ્યુઅર રમેશ સત્તારચંદ જૈનએ પણ કૌભાંડ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ બાબતે આખરે સલાબતપુરા પોલીસમાં કુલ્લે 22 લોકોની સામે ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે શરૂઆતમાં જ વિજય ફીણવીયાને પકડી પાડ્યો હતો. જ્યારે શુક્રવારે ઇકો સેલ દ્વારા અલ્પેશ મનુભાઇ પટેલ (ક્યારા) રામદેવ યાર્ન ફિલાર્મેન્ટના પ્રોપ્રાઇટર, નરેશ ધીરૂભાઇ ઠુમ્મર (ક્રિશ એન્ટરપ્રાઇઝ), પરેશ મનુભાઇ ધાનાણી (દિવ્યા કન્ટ્રકશન), દિવ્યા પરેશભાઇ ધાનાણી (નિલકંઠ કંન્સ્ટ્રકશન), નિતીન શામજીભાઇ પટેલ (શિવ ફેશન), હાર્દિક વિનોદભાઇ ઘેલાણી (સ્વામી એન્ટરપ્રાઇઝ), અશ્વિન વલ્લભભાઇ સીતાપરા (મા ક્રિએશન)ને પકડી પાડ્યા હતા અને તેઓને સલાબતપુરા પોલીસને સોંપ્યા હતા. સલાબતપુરા પોલીસે આ 9 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ પકડાયેલા 9 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.