સુરત: (Surat) સિંગણપોરમાં સલુનમાં ઉપયોગમાં લેવાતી ખુરશીના બોક્સ હટાવી લેવા બાબતે બે સગા ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં વચ્ચે પડેલા પિતાને (Father) નાના પુત્રએ ધક્કો મારીને કપાળના ભાગે પથ્થર (Stone) મારી દીધો હતો, જ્યારે નાના પુત્રની પત્નીએ (Wife) તેના મોટા જેઠને તમાચા મારી દેતા વાતાવરણ તંગ બન્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ડભોલી બ્રિજ નજીક ઓવલા ક્રિષ્ના રો હાઉસમાં રહેતા ગોવિંદભાઇ ઉકાભાઇ લુહાર નિવૃત જીવન જીવે છે. તેમનો મોટો પુત્ર મહેશ અન્ય જગ્યાએ રહે છે, જ્યારે તેનો નાનો પુત્ર જયેશ તેઓની સાથે ઉપરના માળે જ રહી સલુનનું કામ કરે છે. જયેશે સલુન માટે ખુરશીઓ મંગાવી હતી અને તેના બોક્સ આવ્યા હતા. દરમિયાન સોમવારે મહેશે પિતાને મળવા આવ્યો હતો, અને રસ્તામાં બોક્સ નડી રહ્યા હોવાથી તેને જયેશને કહીને બોક્સ સાઇડમાં લેવા કહેતા જયેશે કહ્યું કે, આ મારુ ઘર છે, હું ગમે ત્યાં મુકું તેમ કહીને મોટાભાઇ મહેશને ગાળો આપવા લાગ્યો હતો.
દરમિયાન બંને સગાભાઇઓના ઝઘડામાં પિતા ગોવિંદભાઇ વચ્ચે પડતા જયેશે તેના પિતાને ધક્કો મારીને રોડ ઉપર ફેંકી દીધા હતા અને કપાળના ભાગે પથ્થર મારી દીધો હતો, ત્યારબાદ જયેશે મહેશને પણ માર માર્યો હતો. થોડીવાર બાદ જયેશની પત્ની આવી હતી અને તેને પણ મહેશને તમાચા મારી દીધા હતા. બનાવ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી, જ્યારે મહેશ અને તેના પિતા ગોવિંદભાઇએ 108માં જઇને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
મોટાવરાછામાં બાલ્કનીમાં ઉલટી કરવા અંગે બોલાચાલી બાદ પિતા-પુત્રોએ યુવકના ગળામાં પહેરેલી સોનાની ચેઈન લુંટી લીધી
સુરત: મોટા વરાછા ખાતે રહેતા યુવકે તેની બાલકનીમાં થયેલી ઉલટી બાબતે સોસાયટીમાં મીટીંગ રાખી હતી. આ મીટીંગ બાદ સોસાયટીમાં જ રહેતા પિતા-પુત્રોએ તેને માર મારી ગળામાં રહેલી સોનાની ચેઈન તોડી નાખી હતી. અમરોલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મોટા વરાછા ખાતે અંબીકા પીનેકલમાં રહેતા 44 વર્ષીય ભરતભાઇ પોપટભાઇ જસાણી મુળ શિહોર, ભાવનગરના વતની છે. તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં સુભાષભાઇ પરમાર, શિવમભાઇ પરમાર તથા જવલભાઇ પરમાર (તમામ રહે, સી-૬૦૨ અંબીકા પીનેકલ) તથા અને અજાણ્યાની સામે ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે સવારે ભરતભાઈ ઉઠ્યા ત્યારે તેમની બાલકનીમાં ઉલટીના ડાઘા હતા. જેથી તેમને આ વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મુક્યો હતો. બાદમાં રાત્રે આ અંગે સોસાયટીમાં મીટીંગ રાખી હતી. મીટીંગમાં સુભાષભાઈ પરમારે તેમના ત્યાં આવેલા મહેમાને ઉલ્ટી કરી હોવાનું કહ્યું હતું. જેથી ભરતભાઈએ આ વાત સવારે જ કહી દીધી હોત તો સોસાયટીની મીટીંગ રાખવી નહી પડત તેવું કહ્યું હતું. સુભાષભાઈએ પોતે ગ્રુપમાં નહી હોવાનું કહેતા ભરતભાઈએ તેમનો દિકરોતો છે તેમ જણાવતા સુભાષભાઈ તેમના દિકરાને બોલાવવા ગયા હતા.
થોડીવાર પછી સુભાષભાઈના દિકરા શિવમભાઇ અને જવલભાઇ તથા એક અજાણ્યો કુતરો લઈને આવ્યો હતો. ભરતભાઈએ તેમના કુતરાનું મળમુત્ર તેમની બાલ્કનીમાં પડે છે તેવું કહેતા તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે સુભાષભાઈ તથા તેમના બંને દિકરાઓએ તથા અજાણ્યાએ ભરતભાઈને માર માર્યો હતો. શિવમ પરમારે ભરતભાઈના ગળામાં પહેરેલી સોનાની 2.44 લાખની 43.990 ગ્રામની ચેઈન તોડીને ઝુંટવી લીધી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરોલી પોલીસે લુંટની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.