આયાતી પોલીયેસ્ટર સ્પન યાર્ન (Imported Polyster yarn) પર એન્ટીડમ્પીંગ ડ્યૂટી (Anty Dumping Duty) લાદવાની ભલામણ કરતો ફાઈનલ ફાઈડીંગ્સ રિપોર્ટ DGTR (Directorate General OF Trade Remedies) ટેક્સટાઈલ મિનીસ્ટ્રીને (Textile Ministry)ને કરાયા બાદ સુરતના વીવર્સે ગુસ્સે ભરાયા છે. સ્થાનિક યાર્નના ઉત્પાદન સામે સરેરાશ માત્ર 12 ટકા જ યાર્ન આયાત થતું હોય ત્યારે કયા આધારે DGTR દ્વારા ડ્યૂટી લાદવાની ભલામણ કરાઈ છે, તે પ્રશ્ન સુરતના વીવર્સે ઉઠાવ્યા છે. સુરતના વીવર્સે DGTR વિરુદ્ધ વિજીલન્સ તપાસની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી, કાપડ મંત્રી અને ટેક્સટાઈલ સેક્રેટરીને પત્ર લખ્યો છે.
અરજદાર શુભ લાભ ટેક્સટાઈલના ચિરાગ પટેલે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ મિનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (વિજીલન્સ ડિવીઝન) ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી નિર્મલા સીતારામન, કાપડંત્રી પિયૂષ ગોયલ, રાજ્યકક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશ અને ટેક્સટાઈલ સેક્રેટરી યુ.પી. સિંહને સંબોધીને એક રિપોર્ટ મોકલ્યો છે, જેમાં પોલીયેસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી મુદ્દે કેટલાંક તથ્યો રજૂ કરવામાં આવ્યા છે. ચિરાગ પટેલે આક્ષેપ કર્યા છે કે પોલીયેસ્ટર સ્પન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લાદવા અંગે રજૂ કરાયેલા ફાઈનલ ફાઈન્ડીંગ એકતરફી અને શંકાસ્પદ લાગી રહ્યાં છે. આ સાથે જ ચિરાગ પટેલે તપાસની માંગણી કરી છે. તેમજ જ્યાં સુધી તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી ઈમ્પોર્ટેડ પોલીયેસ્ટર સ્પન યાર્ન પર ડ્યૂટી નહીં લાદવા માંગ કરી છે.
પોલિયેસ્ટર સ્પન યાર્ન પર એન્ટીડમ્પીંગ ડ્યૂટી લાગશે તો વીવર્સ સાથે આ ક્ષેત્રમાં કામ કરતા કારીગરો પણ બેરોજગાર બનશે
ચિરાગ પટેલ પોતાના પત્રમાં લખે છે કે સુરતમાં પોલિયેસ્ટર સ્પન યાર્નનો વપરાશ કરતા 40 વીવર્સ છે. તમામના મળી કુલ 1000થી વધુ સંચા મશીન ચાલી રહ્યાં છે. પોલિયેસ્ટર સ્પન યાર્નમાંથી શાન્તુન, ટોપડાઈડ, ક્વોલિટી સાડી, રેમન્ડ કોટન, સ્કૂલ યુનિફોર્મ વિગેરે બનાવવામાં આવે છે. વીવર્સ દર મહિને ટનબંધ યાર્ન આયાત કરે છે. પોલિયેસ્ટર સ્પન યાર્ન પર એન્ટીડમ્પીંગ ડ્યૂટી લાગશે તો વીવર્સ સાથે આ ક્ષેત્રમાં કામ કરતા કારીગરો પણ બેરોજગાર બનશે. આ સાથે જ ચિરાગ પટેલે DGTR ના તા. 19-8-2021ના ફાઈનલ ફાઈન્ડીંગ જે એકતરફી ને શંકાસ્પદ લાગે છે, જેથી તેની ઉપર વિજલન્સ તપાસ મુકવા તથા તપાસ પૂરી થાય ત્યાં સુધી DGTR ના સ્પીનર્સ તરફેના ફાઈનલ ફાઈડીંગ્સને સ્થગિત રાખવા વિનંતી કરી છે.
DGTR ના ફાઈનલ ફાઈડીંગ્સની આ ખામીઓ તરફ વીવર્સે આંગળી ચિંધી
DGTR ના ફાઈનલ ફાઈડીંગ્સના પાના નં. 61 ઉપર ટેક્સટાઈલ કમિશનરની મુંબઈ ખાતેની કચેરીના સરકાર માન્ય રિપોર્ટના આંકડાને ધ્યાને લેવામાં આવ્યા નથી. ટેક્સટાઈલ કમિશનર કચેરીએ DGTR ને આંકડા મુજબ રિપોર્ટ આપ્યો છે કે વર્ષ 2017-18 માં ડોમેસ્ટીક સ્પીનર્સનું PSY નું કુલ પ્રોડક્શન 3,66,100 મેટ્રીક ટન હતું, જેની સામે આયાતી થયેલું યાર્ન 46,187 મેટ્રીક ટન હતું. આમ, 2017-18ના વર્ષ દરમિયાન ડોમેસ્ટીક પ્રોડક્શનની સામે આયાત થયેલું યાર્ન માત્ર 12.62 ટકા હતું. એવી જ રીતે વર્ષ 2018-19માં ડોમેસ્ટીક સ્પીનર્સનું પ્રોડક્શન વર્ષ દરમિયાન કુલ 3,19,230 મેટ્રીક ટન હતું, જેની સામે આયાતી યાર્નનો આંકડો 38,496 મેટ્રીક ટન હતો. જેથી ટકાવારીમાં જોવામાં આવે તો માત્ર 12.06 ટકા જ આયાત થયું હતું.
વિજીલન્સ તપાસ મુકાવવા તથા તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી સ્પીનર્સ તરફેણનો કોઈ નિર્ણય સ્થગિત રાખવા માંગ ઉઠી
DGTR ના ઈન્વેસ્ટીગેશન સમયકાળ દરમિયાન ડોમેસ્ટીક સ્પીનર્સનું ઉત્પાદન 4,08,270 મેટ્રીક ટન હતું, જેની સામે આયાતી યાર્નનો જથ્થો 51,591 મેટ્રીક ટન હતું. જેથી ટકાવારીમાં 12.64 યાર્ન આયાત થયું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ટેક્સટાઈલ કમિશનરની કચેરી મુજબ આયાતી PSY ની ટકાવારી સરેરાશ 12 ટકા જ છે, જેથી કાયદા પ્રમાણે એન્ટી ડમ્પીંગ ડ્યૂટી ત્યારે જ કોઈ પણ યાર્ન પર લગાવી શકાય જ્યારે વર્ષ દરમિયાન તેની ટકાવારી 20 ટકાથી વધુ હોય. સ્પીનર્સને ધંધામાં કોઈ ખોટ કે નુકસાન કે ઈન્જરી થતી નથી. તે માટે વિજીલન્સ તપાસ મુકાવવા તથા તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી સ્પીનર્સ તરફેણનો કોઈ નિર્ણય સ્થગિત રાખવા માંગ ઉઠી છે. સુરતના લગભગ 12,000 વીવર્સે આ વિનંતી કરી છે.