SURAT

સુરત: ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત લોકોને વોટ્સએપ કોલ કરી લાખો રૂપિયા પડાવી છેતરપિંડી

સુરત: (Surat) ગુગલ પરથી દેશના ધનાઢ્ય અને સમાજના પ્રતિષ્ઠિત લોકોની માહિતી મેળવી તેમને ફોન કરીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી છેતરપિંડી કરતી ટોળકીને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ઝડપી પાડી હતી. આ ટોળકીએ પ્રતિભા ડાઈંગના માલીકને વોટ્સએપ કોલ કરીને તેમની પાસેથી 40 લાખ પડાવી છેતરપિંડી (Fraud) કરતા ક્રાઈમ બ્રાંચે ફરિયાદ દાખલ કરી હતી.

ક્રાઈમ બ્રાંચ પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં ગત 1 માર્ચ મહાશિવરાત્રીના રોજ પ્રતિભા ડાઈંગ મિલના માલીક ઉપર એક વોટ્સએપ કોલ આવ્યો હતો. અને પ્રશાંત બાંગર શ્રી સીમેન્ટના માલીક વાત કરુ છુ અને મુંબઈમાં 40 લાખની તાત્કાલિક જરુર છે. આપને હું સુરત ખાતે એક કલાકમાં 40 લાખ પહોંચાડી દઉં છું તેવી વાત કરીને આંગડીયા પેઢી મારફતે મુંબઈ ખાતે રૂપિયા 40 લાખ સ્વીકારી લઈ મોબાઈલ ફોન બંધ કરીને છેતરપિંડી કરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા પુણાગામ પાસે સંગીની માર્કેટ પાસેથી બલેનો કાર (RJ-39-CA-4138) માંથી આરોપીને પકડી પાડ્યો હતો. તેની પાસેથી કુલ 19.90 લાખ રૂપિયા રોકડા તથા મોબાઈલ ફોન સહિત 24 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

ગુગલ પરથી પ્રતિષ્ઠિત લોકોની માહિતી મેળવતા હતા
આરોપીઓની પાસેથી મળેલા રોકડ રકમ બાબતે પુછપરછ કરતા દશરથસીંગ ઉર્ફે નરેન્દ્રસીંગ અર્જુનસીંગ રાજપુરોહીતે જણાવ્યું હતું કે, અગાઉ પોતે રાજસ્થાની સમાજના આગેવાનોના નંબરો મેળવી તેમની પાસેથી સમાજના પ્રતિષ્ઠીત માણસનું નામ ધારણ કરતો હતો. અને તેવા વ્યક્તિઓ પાસેથી અરજન્ટમાં આંગડીયામાં કે હવાલાથી રકમ જોઇએ તેમ કહી રોકડ રકમ મેળવી છેતરપિંડી કરતા હતા.

આ રીતે પ્રતિભા ડાઈંગના માલીકને ફસાવ્યા હતા
આ પ્રકારના ગુનો કરવા માટે આજથી આશરે અઢી ત્રણેક મહીના અગાઉ પોતે તથા ગૌતમ રાજપુરોહીત (રહે. ગામ-શીરોહી જી-શીરોહી), મીઠારામ ચૌધરી (રહે ગામ-નેપલ તા.જી.પાલી, રાજસ્થાન), વીક્રમસીંહ સાથે મળી રાજસ્થાની જુદા જુદા સમાજના પ્રતિષ્ઠીત આગેવાનો અંગેની માહીતી ગુગલ પરથી મેળવી હતી. તે યાદીમા જણાવેલ લોકો પૈકીના શ્રી સીમેન્ટના માલીક પ્રશાંત બાંગરની નામ સરનામા તથા મોબાઇલ નંબર અંગેની માહીતી મેળવી હતી. તેમના સમકક્ષ એવા તથા તેમના ગામના કે આજુબાજુ કે, નજીકના હોય તેવા ઇસમો અંગે માહીતી તપાસી હતી. જેમાં સુરતના પ્રતીભા ફેબ્રીકસના માલીકના નામ સરનામા, મોબાઇલ નંબરની માહીતી મેળવી હતી. તેમની પાસેથી મુંબઇ ખાતે અરજન્ટ પેમેન્ટ માટે પૈસાની જરૂર છે તેમ જણાવી રોકડ 40 લાખ રૂપિયા મંગાવી હતી. ઉપાડ કરવા માટે અગાઉથી પોતાના સાગરીત મીઠારામ ચૌધરીને મુંબઇ ખાતે મોકલી આપ્યો હતો. મીઠારામ મુંબઇ પોહચતા પોતાની પાસેના નવા ખરીદેલા મોબાઇલ ફોન તથા સીમ દ્વારા પોતે પ્રતીભા ફેબ્રીકના માલીકને વોટ્સએપ કોલ કરી પોતાનો પરીચય શ્રી સીમેન્ટના માલીક પ્રશાંત બાંગર તરીકેનો આપ્યો હતો.

  • પકડાયેલા આરોપીના નામ
  • દશરથસીંગ ઉર્ફે નરેન્દ્રસીંગ અર્જુનસીંગ રાજપુરોહીત (ઉવ.૩૦ ધંધો- જમીન દલાલી રહે ગામ મોદરના થાના- રામસીન તા. ભીનમાલ જી. જાલોર, રાજસ્થાન)
  • દલપતસીંગ ભવરસીંગ વાધેલા (ઉવ. ૩૯ ધંધો- મંડપ ડેકોરેશન રહે ગાવ- ઉદાણીયોકી ઢાની તા. ગુડામલાની જી. બાડમેર, રાજસ્થાન)
  • મોહનસીંગ ઉર્ફે ગુણેશસીંગ રાજપુરોહીત ઉવ. ૪૩ ધંધો- ઇલેકટ્રીક કામ રહે ગામ- મોદરના થાના- રામસીન તા. ભીનમાલ જી. જાલોર, રાજસ્થાન)

દશરથ સામે અનેક ગુના, પુણામાં અપહરણનો પણ આરોપી
દશરથસીંગ ઉર્ફે નરેન્દ્રસીંગ અર્જુનસીંગ રાજપુરોહીત અનેક ગુનામાં વોન્ટેડ આરોપી છે. તેની સામે જોગેશ્નવરી ઇસ્ટ બ્રીહદ મુંબઇ ખાતે નોકર ચોરીનો, એલ.ટી.માર્ગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ચાર ગુના દાખલ છે. પુણાગામમાં વર્ષ 2017 માં અપહરણનો ગુનો નોંધાયો હતો.

Most Popular

To Top