Business

મેટ્રો ટ્રેનના લીધે સુરતના કોટ વિસ્તારમાં પાણીનો સપ્લાય ખોરવાયો, લોકો હેરાન થયા

સુરત : (Surat) શહેરમાં મેટ્રો રેલની (Metro Rail) કામગીરીના કારણે ચોકબજાર વિસ્તારમાં લાઇનો સિફ્ટીંગ કરવી પડી છે. આ સિફ્ટીંગના કારણે નવી લાઇનોમાં જોઇન્ટ આપવાના હોય, ગુરુવારે પાલિકાના (SMC) હાઇડ્રોલિક (Hydrolic) વિભાગે સેન્ટ્રલ ઝોનમાં (Central Zone) સવારનો પાણી સપ્લાય (Water Supply) ફાળવી દીધા પછી સવારે 8 વાગ્યે ચોકબજારમાં ભૂગર્ભ પાણી લાઈનને હયાત લાઈન સાથે જોડાણની કામગીરી શરૂ કરી હતી.

  • પાણીની લાઇન સિફ્ટિંગના પગલે અડધા સેન્ટ્રલ ઝોનને અસર : બે દિવસ પાણીકાપ
  • મુગલીસરા બાદ ગોપીપુરામાં પાણીનો સપ્લાય ખોરવાયો

રાઉન્ડ ધ ક્લોક આ કામગીરી શુક્રવાર બપોર સુધી ચાલશે. જેના લીધે ગુરુવારે સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિભાગ એટલે રાજમાર્ગના મુગલીસરા તરફ પાણી પુરવઠાનું સપ્લાય થયું ન હતું. આ સાથે જ શુક્રવારે દક્ષિણ વિસ્તાર એટલે રાજમાર્ગના ગોપીપુરા તરફ પણ સવારનો સપ્લાય બાધિત થશે. કામગીરી પૂર્ણ થતાં જ પાણી પુરવઠો રાબેતા મુજબ કરાશે.

આ કામગીરીની સાથે સાથે જ નવસારી બજાર જળવિતરણ મથક રાજેશ્રી ખાતે નવી બનાવવામાં આવેલી સગરામપુરા ઓવરહેડ ટાંકી ભરવા માટે હયાત ૧૦૧૬ મી.મી.વ્યાસની મેઇન લાઇન પર ૧૦૦૦ મી.મી.વ્યાસનો બટરફ્લાય વાલ્વ ઇન્સ્ટોલેશનની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. આ કામગીરીના કારણે ગુરૂવારના સેન્ટ્રલ ઝોનના (ઉત્તર વિભાગ)માં સમાવિષ્ટ દિલ્હીગેટથી ચોક બજાર રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, શાહપોર-નાણાંવટ વિગેરે વિસ્તાર, સુમુલ ડેરી રોડ, કતારગામ ઝોનના અલકાપુરી, ગોટાલાવાડીમાં આંશિક પાણી કાપ રહ્યો હતો. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોનના (દક્ષિણ વિભાગ) બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા વિગેરે સમગ્ર વિસ્તારમાં તા.ર૩/૧ર/ર૦રર, શુક્રવારના રોજ સવારનો પઃ૦૦ થી ૮:૦૦ દરમ્યાન અપાતો પાણી પુરવઠો પણ સદંતર બંધ રહેશે.

ચોકબજાર પાસે ખોદકામ દરમિયાન મળેલી ત્રણ તોપ કલેક્ટરાલયને સુપરત
સુરત : શહેરના ચોક બજાર ખાતે અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ માટે પાઈલિંગ વર્કની કામગીરી દરમિયાન મળી આવેલી ત્રણ ઐતિહાસિક તોપ હાલ કિલ્લાની સામે આવેલ મેદાનમાં મૂકવામાં આવી છે. જો કે, આર્કિયોલોજી વિભાગના નિયમ મુજબ હવે આ તોપનો કબજો કલેક્ટરને સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ તોપ મેળવવા માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાની રહેશે. કરોડો રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવેલા સુરતના ઐતિહાસિક કિલ્લાની શોભામાં આ તોપ અભિવૃદ્ધિ કરશે.

સુરત મહાનગર પાલિકાના હેરિટેજ વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે ચોક બજાર ખાતે મેટ્રોની કામગીરી દરમિયાન મળી આવેલી તોપનો કબજો હાલ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. નિયમાનુસાર જમીનમાં અઢી ફૂટ નીચેથી કોઈપણ પ્રકારની પુરાતત્ત્વ ચીજવસ્તુઓ મળી આવે તો તેનો કબજો સૌપ્રથમ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવે છે. ત્યાર બાદ જે તે સત્તામંડળ દ્વારા તેનો પુનઃ કબજો મેળવવા માટે લેખિતમાં જાણ કરવાની રહેશે. કલેક્ટર સમક્ષ આ તોપનો કબજો મેળવવા માટે સંભવતઃ નજીકના ભવિષ્યમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા રજૂઆત કરવામાં આવશે. કલેક્ટર દ્વારા આ અંગેની પરવાનગી આપ્યા બાદ સુરત મહાનગર પાલિકાના હેરિટેઝ વિભાગના વિશેષજ્ઞો દ્વારા આ ત્રણેય તોપના રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. ખૂબ જ તકેદારી માંગી લેતી આ કામગીરીને અંતે તોપને ચોક બજાર કિલ્લા ખાતે ગન પોકેટ્‌સમાં પ્રદર્શન માટે મૂકવામાં આવશે.

Most Popular

To Top