સુરતઃ વિશ્વની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ (SuratDiamondBurse) અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના (SuratInternationalAirport) ટર્મિનલનું ઉદ્દઘાટન (Innogration) કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આવતીકાલે તા. 17 ડિસેમ્બર 2023ના રોજ સુરત પધારી રહ્યાં છે. વડાપ્રધાનનું શાનદાર સ્વાગત કરવા માટે સુરતીઓ ઉત્સાહિત છે. વડાપ્રધાન માટે શહેરને શણગારવામાં આવ્યું છે.
ખાસ કરીને સુરત એરપોર્ટથી સુરત ડાયમંડ બુર્સ સુધીના રસ્તાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ઠેરઠેર 10 જેટલાં સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે, જ્યાં ધારાસભ્યો વડાપ્રધાનનું સ્વાગત કરશે. આ રસ્તા પર વડાપ્રધાનનો મીની રોડ શો યોજાય તે રીતની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
સુરત એરપોર્ટથી સુરત ડાયમંડ બુર્સ સુધીના 8 કિ.મી. ના રૂટ પર વડાપ્રધાનનો મીની રોડ શો જોવા મળે તેવી સ્થિતિ છે. શહેરીજનો વડાપ્રધાનને ઉમળકાભેર આવકાર આપવા થનગની રહ્યાં છે. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવે તેવી શક્યતા છે. તેથી આ રસ્તાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે.
આઠ કિલોમીટરના રૂટની બંને તરફ બામ્બુથી બેરિકેટ ગોઠવી દેવાયા છે. રોડ પર 10થી વધુ સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે. વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલતા ડાયમંડ બુર્સ સુધી પહોંચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:00 વાગે સુરત એરપોર્ટ પર ટર્મનિલનું ઉદ્ઘાટન કરશે. અહીં તેઓ સંબોધન કરે તેવી શક્યતા નથી. ત્યાર બાદ સવારે 10:30 કલાકે વડાપ્રધાન એરપોર્ટથી બાય રોડ સુરત ડાયમંડ બુર્સ ખાતે જવા રવાના થશે. સુરત એરપોર્ટ થી સુરત ડાયમંડ બુર્સ સુધીનો આ 8 કિ.મી.ના રૂટ પર મીની રોડ શો યોજાઈ તેવી સંપૂર્ણ શક્યતા જોવાઈ રહી છે. તેથી આ રૂટને ખાસ શણગારવામાં પણ આવી રહ્યો છે.
સુરત એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ એરપોર્ટની બંને તરફ રસ્તા પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રીને આવકારતી આકર્ષક રંગોળી તૈયાર કરાઈ છે. ઠેર ઠેર વિશાળ હોર્ડિંગ્સ અને પોસ્ટરો લગાવાયા છે. ઓએનજીસી ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ પર સુરતની જુદી જુદી આઇકોનિક ઓળખને આકર્ષક રીતે ચીતરવામાં આવી છે. બ્રિજ સીટી થી લઈ ડ્રીમ સિટી સુધીના પ્રોજેક્ટને બ્રિજ પર પેઈન્ટ કરાયા છે.