સુરત (Surat) : પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપના શાસનમાં છેલ્લા થોડા સમયથી સતત વધી રહેલી મોંધવારીથી પ્રજા સમસમી ગઇ છે. ઇંધણથી લઇને જીનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ કુદકેને ભુસકે વધી રહ્યાં છે. ટેક્સટાઇલ માર્કેટમાં કરોડો રૂપિયાનો વેપલો થાય છે ત્યાંના કરોડોપતિને મામૂલી ભાડે લીઝ રિન્યુ કરી આપનારા ભાજપના શાસકો બાગમાં ફરવા જનારા ગરીબોને રીત સર લૂંટી રહ્યાં છે તો બીજી તરફ સુરતમાં જ્યાંથી ભાજપનો ઉદય થયો હતો તે અંબાજીરોડના લોકો છેલ્લા બે મહિનાથી ધૂળિયા રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે, હવે રામના નામે તરી ગયેલા પથ્થરો સામે શહેરીજનોની ધીરજ ખૂટી ગઇ હોય તેમ અંબાજીરોડના લોકોએ ભાજપના ચારેય કોર્પોરેટર્સ સામે મોરચો ખોલી નાંખ્યો છે તો બીજી બાજુ કતારગામના લોકોએ લેક ગાર્ડનને તાળુ મારી દીધું છે.
કતારગામના લેક ગાર્ડનમાં લોકો વિફર્યા અને તાળાબંધી કરી
સુરત મહાનગરપાલિકાના (SMC) ભાજપ (BJP) શાસકો દ્વારા છેલ્લા થોડા સમયથી આર્થિક ભારણ ઘટાડવાના બહાને સ્વીમીંગપુલ, હેલ્થ કલબ, સહિતના લોકોની સુવિધા માટે બનાવાયેલા ઘણા પ્રોજેકટનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. હદ તો ત્યારે થઇ કે મનપા દ્વારા ટી.પી.માં કપાતમાં લેવાતી લોકોની જગ્યાના બદલામાં આપવાની થતી સુવિધાઓનું પણ ખાનગીકરણ કરી મનપાનો વેરો ભરતા શહેરીજનોના ખીસ્સા ખંખેરાવા માંડયા અને બગીચાઓ પણ ખાનગી એજન્સીને સોંપાવા લાગ્યા છે જો કે હવે મોંધવારીના મારથી બેવડ વળી ગયેલી શહેરની પ્રજાનો રોષ સપાટી પર આવવા માંડ્યો છે અને કતારગામ કાંસાનગર ખાતે લેક ગાર્ડનમાં પાકિંગ ચાર્જ વસુલવાનું શરૂ થતાં અકળાયેલા લોકોએ બેનરો ફાડી, બગીચાને તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો.
મનપા દ્વારા હાલ 6 મોટા ગાર્ડનો પીપીપી ધોરણે આપી દેવાયા છે. જેથી આ ગાર્ડનમાં હવે એજન્સીઓ દ્વારા પાર્કિંગ ચાર્જ લેવામાં આવી રહ્યો છે જેની સામે ધીમે ધીમે લોકરોષ વધી રહ્યો છે. ગૂરૂવારે કતારગામ ઝોનમાં કાંસાનગર લેક ગાર્ડન બહાર સ્થાનિકોએ ભેગા થઈને તાળા બંધી કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ પાર્કિંગ ચાર્જ માટે એજન્સીએ ગાર્ડન બહાર જે બેનર લગાવ્યા હતા તે પણ ફાડી નાંખ્યા હતા.
- લેક ગાર્ડનનું ખાનગીકરણ કરીને અહીં આવતા લોકો પાસેથી પાકિંગ ચાર્જ ઉધરાવાનું શરૂ કરાતાં જ શહેરીજનોનો રોષ સપાટી પર આવ્યો
- વર્ષોથી રોજ ચાલવા આવતાં લોકોએ પણ હવે ગાર્ડનમાં પાર્કિંગ ચાર્જ ચૂકવવાનો, મોંધવારીમાં પિસાતા શહેરીજનોને મનપાએ પણ આંટીમાં લીધા
વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, અમે ઘણા વર્ષોથી ગાર્ડનમાં આવીએ છીએ અને દરરોજ આ ગાર્ડનનો ઉપયોગ કરીએ છીએ અને હવેથી મનપા દ્વારા ગાર્ડનમાં આવતા લોકો પાસે આડેધડ પાર્કિંગના પૈસા ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. લોકો રોજ ચાલવા આવે છે તેઓને રોજ પાર્કિંગના પૈસા આપવાનું પોષાય તેમ નથી તેથી આ પે એન્ડ પાર્કિંગ બંધ કરવું જાઇએ તેમજ સ્થાનિકો દ્વારા અહીં ગેરકાયદે ચાર્જ વસુલતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અંબાજી રોડ પર બેનર લાગ્યા : લોકોની ટકોર અમારા વોટની કિંમત નથી કે અમારી કિંમત નથી. સ્વ નરેન્દ્ર ગાંધી જેવા કોર્પોરેટર બનવાના પ્રયત્નો કરો
કતારગામ લેક ગાર્ડનમાં શાસકો સામેનો રોષ સપાટી પર આવવાની સાથે બીજી બાજુ ભાજપના વરસોથી ગઢ મનાતા કોટ વિસ્તારમાં પણ ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે નારાજગી બેનરો લગાવી વ્યકત કરાઇ હતી. અંબાજી રોડ પર પાણી-ગટરના લાઇનના કામ પુરા થયા છતા બે માસથી રસ્તો રીપેર થતો નથી અને આ વિસ્તાર આખો ધુળીયો બની ગયો છે.
સ્થાનિક નગર સેવકોનું જાણે કંઇ ઉપજતુ ના હોય તેમ તંત્ર સામે મુંગામંતર બની તાલ જોયા કરતા હોય તેવી પ્રતિતિ થતા અંબાજી રોડના લોકોએ સ્થાનિક ચારેય નગર સેવકોના ફોટ સાથે બેનર માર્યા છે કે, આપશ્રી નગર સેવકોને બે હાથ જોડીને વિનંતી કરીયે છીયે કે અમારા કીંમતી વોટની કીંમત નથી સમજાતી કે પછી અમારી કીંમત નથી ? આખો અંબાજી રોજ ખોદીને મુકી દીધો છે, તે દેખાતું નથી. ઉડતી ધુળથી ધંધાઓ પડી ભાગ્યા છે. મહેમાન અમારા ઘરે આવતા નથી. અને તમને આ સમસ્યા દેખાતી નથી ? બેનરમાં છેલ્લે પુર્વ નગર સેવક સ્વ.નરેન્દ્ર ગાંધીને યાદ કરીને તેના જેવા નગર સેવકો બનાવવા પ્રયત્ન કરવી પણ ટકોર કરી હતી.