SURAT

લો બોલો, 70 વર્ષના વૃદ્ધ સુરતમાંથી ડ્રાયફ્રૂટ્સની ચોરી કરી નાસી ગયા

સુરત: (Surat) મહારાષ્ટ્ર પાસિંગની કાર લઇને આવેલા 70 વર્ષિય વૃદ્ધ અને 50 વર્ષિય આધેડ મહિલાએ જલારામમંડળ, વીરપુરના (Virpur) મુખિયા તરીકે ઓળખાણ આપીને છેતરપિંડી (Fraud) કરી હતી. મહારાષ્ટ્રમાં થાણે ખાતે આવેલી ઓફિસમાં ડ્રાયફ્રૂટનો પ્રસાદ વેચવાનું કહી 79 હજારના કાજુ, બદામ અને અખરોટ ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વગર જ ફરાર થઇ ગયા હતા. આ વૃદ્ધે સૌપ્રથમ ચેક આપ્યા બાદ કારમાંથી રોકડા (Cash) લાવવાનું કહી ભાગી ગયાં હતાં. જે અંગે ડ્રાયફ્રૂટના દુકાનદારે પોલીસ ફરિયાદ આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં સિટીલાઇટ રોડ ઉપર રાજતિલક એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશ બાબુલાલ સંકલેચા ખટોદરાના વિવેકાનંદ ગાર્ડન સામે જીવકોર સોસાયટીમાં ડ્રાયફ્રૂટ બજારના નામે ડ્રાયફ્રૂટનો વેપાર કરે છે. તેમની દુકાનમાં 70 વર્ષનો વૃદ્ધ અને 50 વર્ષની આધેડ મહિલા મહારાષ્ટ્ર પાસિંગની કાર લઇ આવ્યાં હતાં. તેઓએ પોતાની ઓળખ જલારામમંડળ, વીરપુરના મુખીયા તરીકે આપીને મહારાષ્ટ્રની ઓફિસમાં પ્રસાદરૂપે વહેંચવા માટે વધારે જથ્થામાં ડ્રાયફ્રૂટની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ બંનેએ 49 હજારના 66 કિલો કાજુ, 28 હજારના 42 કિલો બદામ અને 1 કિલો અખરોટ મળી કુલ રૂ.79 હજારની ખરીદી કરી હતી. વૃદ્ધે ડ્રાયફ્રૂટનો માલ પેકિંગ કરી કારમાં મૂકી દેવા માટે કહ્યું હતું. આ સાથે જ તેઓએ હિતેશભાઇને 79 હજારનું બિલ જલારામમંડળ, વીરપુરના નામે બનાવવા કહ્યું હતું. આ બિલની સામે વૃદ્ધે પોતાનો જ ચેક આપ્યો હતો.

વ્હાઇટની એન્ટ્રી કરવા માટે હિતેશભાઇએ જલારામમંડળનો ચેક અથવા તો રોકડા રૂપિયા માંગ્યા હતા. દરમિયાન વૃદ્ધ ગાડીમાંથી રોકડા રૂપિયા આપવાનું કહી ગાડી પાસે ગયા હતા, અને ત્યાંથી કારમાં બેસીને ફરાર થઇ ગયા હતા. તેમની પાછળ હિતેશભાઇએ મોપેડ લઇ એક માણસને પણ મોકલાવ્યો હતો, પરંતુ વૃદ્ધ ભાગવામાં સફળ થયો હતો. બાદ હિતેશભાઇએ ફોન કરતાં વૃદ્ધે કહ્યું કે, હું ભટારના દીપક કરિયાણા સ્ટોર ઉપર છું, ત્યાં માણસને મોકલી આપો. હિતેશભાઇએ પોતાની ઓફિસના સ્ટાફને મોકલ્યો, પરંતુ કરિયાણા સ્ટોર ઉપર વૃદ્ધ મળી આવ્યો ન હતો. વારંવાર ફોન કરવામાં આવતાં વૃદ્ધ અને તેની સાથે આવેલી આધેડ મહિલા અમદાવાદ તરફ નીકળી ગયાં હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે હિતેશભાઇએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top