વાપી: (Vapi) કોવિડ-19ના સખત ભરડા દરમિયાન પશ્ચિમ રેલવે વિભાગે (Railway Department) તમામ ટ્રેનો (Train) બંધ કરી દીધી હતી. હવે કોરોના કેસમાં આંશિક ઘટાડા થતાં તંત્રએ વિવિધ લોકલ ટ્રેનોને પુન: પાટા પર દોડતી કરવા આયોજન કર્યું છે. જેમાં રોજિંદા મુસાફરોને સુવિધા મળશે. સુરતથી વિરાર સુધી દરરોજ આવાગમન કરતી 5 અનારક્ષિત લોકલ ટ્રેન સવારી 27 ડિસે. સોમવારથી શરૂ કરવામાં આવી રહી હોવાનું રેલ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. જેમાં બાંદ્રા ટર્મિનસ-વાપી, વાપી-વિરાર શટલ, વિરાર-સુરત એક્સપ્રેસ દૈનિક, વિરાર-વલસાડ શટલ અને વલસાડ-બાંદ્રા ટર્મિનસ શરૂ કરવાનો રેલતંત્રએ નિર્ણય લીધો છે.
- આજથી રોજિંદા મુસાફરો માટે ફરી શટલ ટ્રેનોનું આવાગમન શરૂ
- 5 અનારક્ષિત લોકલ ટ્રેન દોડાવવા રેલવે તંત્રનું આયોજન
27મી ડિસે.થી શરૂ થનાર વિરાર-સુરત એક્સપ્રેસ ટ્રેન વિરારથી સાંજે 5.05 વાગે ઉપડી રાત્રે 11:20 કલાકે સુરત પહોંચશે. સુરત-વિરાર મળસ્કે 4:15 કલાકે ઉપડી તે જ દિવસે સવારે 9:55 કલાકે વિરાર પહોંચશે. ઉપરાંત 28 ડિસે.થી વિરાર-વલસાડ શટલ સવારે 11:30 વાગે વિરારથી ઉપડી બપોર 3 કલાકે વલસાડ પહોંચશે. બાદમાં વલસાડ-બાંદ્રા શટલ વલસાડથી રોજ સાંજે 4:35એ ઉપડી રાત્રે 9:10 કલાકે બાંદ્રા પહોંચશે. બાંદ્રાથી બાંદ્રા-વાપી શટલ સવારે 9:15 કલાકે ઉપડી વાપી બપોરે 1:25 કલાકે પહોંચશે. બાદમાં આ ટ્રેન વાપી-વિરાર શટલ બપોરે 2 કલાકે વાપીથી ઉપડી સાંજે 4:20 કલાકે વિરાર પહોંચશે.
સુસાશન દિવસની ઉજવણી સાથે વાપીમાં સુશાસન સપ્તાહનો પ્રારંભ કરાવતા મંત્રી
વાપી : વાપી નગરપાલિકા ખાતે રાજ્યના નાણાંમત્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. માજી વડાપ્રધાન ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિવસ તા. ૨૫ મી ડિસેમ્બરને સુશાસન દિનથી તા. ૩૧ મી ડિસેમ્બર સુધી યોજાનારા સુશાસન સપ્તાહની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોના હસ્તે મંચ પરથી લાભાર્થીઓને લાભો અપાયા હતા.
આ કાર્યક્રમમાં નાણાં મંત્રી કનુભાઇએ સ્વ. અટલબિહારી વાજપેપીયએ લોકોને, લોકો માટે લોકોપયોગી યોજનાઓનો લાભ સીધો જ છેવાડાના માનવીને મળતો થાય તેવા સુશાસન સાથે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને મૂર્તિમંત કર્યા છે. કલ્યાણકારી રાજ્યની નેમ સાથે પ્રારંભ કરાયેલા કાર્યોને હજુ આગળ વધારવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્ર સરકારની જનધન યોજના, સ્વચ્છ ભારત મિશન, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી લોકકલ્યાણની યોજનાઓ કાર્યરત કરી અટલબિહારીજીના કાર્યોને ગતિ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે પણ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી આ વિકાસયાત્રા ચાલુ રાખી છે. આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરીએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. સેવાસેતુ કાર્યક્રમમાં ૧૧૬૯ અરજીનો સ્થળ પર નિકાલ કરાયો હતો. જેમાં મા કાર્ડના ૬૦, રાશનકાર્ડના ૮૨, આધારકાર્ડના ૧૩૦, આકારણીપત્રકના ૩૫, જન્મ/મરણના દાખલા ૫૫, વિધવા સહાયના ૧૦, નિરાધાર વૃઘ્ધોને સહાયના ૪, દિવ્યાંગ પ્રમાણપત્રના ૪,કોવિડ વેક્સિનેશનના ૧૯૦, ઉંમરનો દાખલાના ૬૦ એમ વિવિધ લાભો લાભાર્થીઓને એક જ દિવસે એક જ સ્થળેથી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ કાશમીરા શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મીતેષ દેસાઇ, ભાજપ શહેર પ્રમુખ સતીષભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષભાઇ ગુરૂવાની તથા સંબધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.