સુરત: અભ્યાસના (Study) ભારણના કારણે એસવીએનઆઈટીની (SVNIT) સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી મૂળ ડાંગની 17 વર્ષિય દેવાંશીએ ફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. તેણે આપઘાત કરતા પહેલા તેના ભાઈ સમાન મિત્રને વિડિયો કોલ કરીને કહ્યું હતું કે તારૂ ધ્યાન રાખજે. દેવાંશી બીઇ સેમેસ્ટર-૧માં અભ્યાસ કરતી હતી. તેણીએ માતા-પિતાને પણ કહ્યું હતું કે તેને અભ્યાસ અઘરો લાગી રહ્યો છે. આ બનાવથી કોલેજ અને હોસ્પિટલમાં (Hospital) ચકચાર મચી ગઈ હતી.
ઉમરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બારખંડિયા ગામની વતની દેવાંશી ઇશ્વરભાઈ પાલવે( 17 વર્ષ) હાલ પીપલોદ વિસ્તારમાં આવેલી એસવીએનઆઇટી ખાતેની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નંબર એ-૭૦૭ માં રહેતી હતી. દેવાંશી ગાંધી એન્જીનિયરિંગ કોલેજમાં બીઈના ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. આજ રોજ બપોર બાદ દેવાંશીએ પોતાની રૂમમાં છતના પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ બાબતે ઉમરા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તપાસમાં ખબર પડી કે દેવાંશીને બીઈનો અભ્યાસ અઘરો લાગતો હતો. તેનાથી પહોંચી વળાતું ન હતું. તેથી તેણીએ આત્મહત્યા કરી લીધી હતી. છઠ્ઠા ધોરણથી સાથે અભ્યાસ કરતો કરણ હરીશ ગામીત નામના મિત્રને તે ભાઇ જેવો માનતી હતી. કરણ હાલ બારડોલીમાં અભ્યાસ કરે છે. તે છેલ્લા ઘણા સમયથી કરણને ફોન કરીને કહેતી હતી કે તેને ભણવાનું અઘરૂં લાગે છે. તેનાથી નથી પહોંચી વળાતું. છેલ્લે આજ રોજ બપોરે દેવાંશીએ કરણને વિડિયો કોલ કરીને કહ્યું કે તારૂં ધ્યાન રાખજે.
દેવાંશી ડ્રોપ લેવા માંગતી હતી
દેવાંશીને બીઈનો અભ્યાસ મુશ્કેલ લાગતો હતો. તે તેના માતા-પિતાને પણ કહેતી હતી કે તેનાથી નથી પહોંચી વળાતું. તેથી તેણીએ માતા-પિતાને કહ્યું કે તે ડ્રોપ લેવા માંગે છે. પરંતુ માતા-પિતાએ તેને અભ્યાસમું મહત્વ સમજાવીને તેને આગળ અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરી હતી. તે તેના માતા-પિતાનું સપનું પણ પુર્ણ કરી શકતી નથી એવું તેને લાગતા તેણીએ આત્મહત્યા કરી લીધી હતી.