સુરત: (Surat) વેસુ વિસ્તારમાંથી 12 વર્ષની બાળકીનું અપહરણ (Kidnapping) કરીને તેની સાથે બળાત્કાર ગુજારવાના ગુનામાં 19 વર્ષિય આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 22 હજાર રૂપિયા દંડની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત ભોગ બનનારને વિક્ટિમ કમ્પેન્સેશન એક્ટ હેઠળ 1.50 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.
- 12 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા, 22 હજારનો દંડ
- ભોગ બનનારને 1.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા હુકમ
કેસની વિગત એવી છે કે, વેસુ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર એક શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં 12 વર્ષની દીકરી છે. તે પરિવારની બાજુમાં જ આરોપી રજૌલખાન સરાફતખાન (ઉં.વ.19) રહેતો હતો. 16 મે-2023ના રોજ શ્રમજીવી પરિવારની 12 વર્ષની દીકરીને આરોપી રજૌલખાન પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી પુણે લઈ ગયો હતો. ત્યાં આરોપીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બાબતે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરાઈ હતી. સરકારતરફે એડ્વોકેટ ડી.વી.દવેએ આરોપીને મહત્તમ સજાની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું કે આવા પ્રકારના બનાવો સમાજમાં વધી રહ્યા છે. સમાજમાં દાખલો બેસે એ માટે યોગ્ય સજા કરવી કોર્ટની ફરજ બને છે એવું નોંધીને આરોપી રજૌલખાનને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદ અને 22 હજાર રૂપિયાના દંડની સજા ઉપરાંત વિક્ટિમ કમ્પેન્સેશન એક્ટ હેઠળ 1.50 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.