સુરત(Surat) : મોજીલા સુરતીઓ દરેક તહેવારને બે દિવસ મનાવે. આખાય દેશમાં 14મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે પરંતુ મોજીલા સુરતીઓ 15મી જાન્યુઆરી પણ વાસી ઉત્તરાયણ મનાવે છે. એ જ રીતે સુરતીઓ બળેવ એટલે કે રક્ષાબંધન પણ બે દિવસ મનાવે છે. પૂનમના બીજા દિવસે સુરતીઓ રક્ષાબંધન મનાવે છે, જેને સુરતી ભાષામાં વાસી બળેવ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે સુરતીઓ વાસી બળેવ શું મનાવે છે. તેની પાછળ એક દુ:ખદ ઘટના જવાબદાર છે.
વાસી બળેવ ઉજવવા પાછળ એક લોકવાયકા છે. સુરતમાં હાલમાં જ્યાં શનિવારી બજાર ભરાય છે તે કિલ્લા અને નાવડી ઓવરાની વચ્ચેના ઓવરા પર એક જમાનામાં સુરતીઓ નાવડીની સહેલ માણતા હતા. આજથી 100 વર્ષ પહેલાં તાપી નદી પર પુલ નહોતા. લોકો પાસે વાહનો પણ નહોતા, ત્યારે સુરત અને રાંદેર અલગ હતા. સુરત શહેર અને રાંદેર ગામ એમ બંનેની અલગ ઓળખ હતી. હજુ પણ રાંદેરના મૂળ વતનીઓ સુરતના કોટ વિસ્તાર કે અન્ય વિસ્તારમાં જતા હોય ત્યારે સુરત જવું છે એમ બોલતા હોય છે. 100 વર્ષ પહેલાં સુરત અને રાંદેર વચ્ચે તાપી નદી હતી. ત્યારે તો નદીનો પ્રવાહ પણ સારો હતો. તાપી બંને કાંઠે વહેતી હતી. તેથી સુરત અને રાંદેરના લોકો એક કિનારેથી બીજા કિનારે જવા માટે નદીમાં જતા હતા અને તહેવારોમાં લોકો હોડીમાં બેસી નદીની સહેલગાહ માણતા હતા. ત્યારે હાલમાં જ્યાં શનિવારી બજાર ભરાય છે ત્યાં રક્ષાબંધનનો મેળો ભરાતો હતો.
પહેલાં તાપી કિનારે રક્ષાબંધનનો મેળો ભરાતો, એવા જ એક મેળામાં..
આજથી 94 વર્ષ પહેલાં 1928માં ચોકમાં નદી કિનારે રક્ષાબંધનનો મેળો ભરાયો હતો ત્યારે એક હોડીમાં 52 જેટલાં લોકો બેસીને રાંદેર તરફ જઈ રહ્યાં હતાં. દરમિયાન તાપીની વચ્ચોવચ્ચ જઈ હોડી ઊંધી વળી ગઈ હતી. કહેવાય છે કે ત્યારે ક્ષમતા કરતા વધુ લોકો હોડીમાં બેઠાં હોવાના લીધે તે ઊંધી વળી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં તમામ 52 લોકોના મોત નિપજ્યા હતા. 94 વર્ષ પહેલાં સુરત માત્ર કોટ વિસ્તાર પૂરતું સિમીત હતું અને ત્યારે સુરતમાં ઘાંચી, ખત્રી, રાણા, પટેલ અને મુસ્લિમોની વસતી હતી. તે જમાનામાં 52 લોકોના નદીમાં ડુબી જવાથી મોતનો શહેરીજનોને ખૂબ આઘાત લાગ્યો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મૂળ સુરતી એવા ઘાંચી, ખત્રી, રાણા અને કણબી સમાજના હતા. રક્ષાબંધનની ઉજવણી ફિક્કી પડી ગઈ હતી. આ શોક બીજા વર્ષે રક્ષાબંધન આવી ત્યાં સુધી રહ્યો હતો. તે કાળા દિવસને લોકો ભૂલી શકે તેમ નહોતા. તેથી સમાજના લોકોએ ભેગા થઈ નક્કી કર્યું હતું કે સુરતમાં રક્ષાબંધન પૂનમ નહીં પરંતુ બીજા દિવસે મનાવવી અને તેને વાસી બળેવ તરીકે ઓળખવી. આમ, સુરતમાં 94 વર્ષથી વાસી બળેવ ઉજવવાની પરંપરા ચાલી રહી છે. માછીમારી સાથે સંકળાયેલા સુરતના મૂળ લોકો હજુ પણ આ ગોઝારા દિવસને યાદ કરે છે.
સમયાંતરે અનુકૂળતા અનુસાર એકથી વધુ દિવસ બળેવ ઉજવાવા લાગી
સુરતમાં વાસી બળેવ ઉજવવા પાછળ એક દુ:ખદ ઘટના જવાબદાર છે પરંતુ હવે તો સુરતમાં એક અઠવાડિયા સુધી રક્ષાબંધનની ઉજવણી ચાલે છે. ભાગદોડ વાળા જીવનમાં તમામ લોકો નોકરી-ધંધા, અભ્યાસમાં વ્યસ્ત હોય હવે લોકો એકબીજાના સમયની અનુકૂળતા અનુસાર બળેવની ઉજવણી કરી રહ્યાં છે. વળી, પરિવારોની સાથે સુરતનો વિસ્તાર પણ વિકસ્યો છે. ભાભી-નણંદ પણ એકબીજાના ઘરની અનુકૂળતા અનુસાર ગોઠવણ કરતા થયા છે, તેથી હવે સુરતમાં વાસી બળેવ ઉપરાંત પૂનમ પહેલાં અને પૂનમ બાદ પણ બે-ત્રણ દિવસ સુધી બળેવની ઉજવણી ચાલતી રહે છે.