SURAT

સુરતના વરાછા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારીગરોનો પગાર લૂંટનાર ઝડપાયો

સુરત: (Surat) છેલ્લા 11 વર્ષથી વરાછા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારીગરોના (Workers) પગાર (Salary) સમયે જ દેશી તમંચાથી કારીગરોને ડરાવી ધમકાવી લાખો રૂપિયાની લૂંટ (Loot) કરનાર આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. 2011માં વરાછા એ. કે. રોડ, અજંટા ડાયમંડ ઇસ્ટ્રીયલનાં એક ખાતા પાસે કારીગરોના પગાર સમયે જ અન્ય સાગરીતો સાથે મળીને કારીગરો પાસેથી રૂ.1.77 લાખની લૂંટ ચલાવી હતી.

ક્રાઇમ બ્રાંચ પાસેથી મળતી વિગતો અનુસાર રીઢો ગુનેગાર મનોજ ઉર્ફે કાલુ હાડુ સ્વાઇ (ઉ.વ.40, રહે. ઓમ જી.આઇ.ડી.સી જૈન ટેક્સટાઇલ, જોલવા, કડોદરા, મુળ વતન ગામ-અલાડી જિ-ગંજામ રાજ્ય-ઓરીસ્સા)ને સરથાણા ડાયમંડનગરનાં નાકેથી ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, સને 2011માં વરાછા એ. કે. રોડ, અજંટા ડાયમંડ ઇસ્ટ્રીયલનાં એક ખાતા પાસે કારીગરોના પગાર સમયે જ અન્ય સાગરીતો સાથે મળીને કારીગરો પાસેથી રૂ.1.77 લાખની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં તે આજદિન સુધી ફરાર હતો. દરમિયાન આજે પોલીસને ચોક્કસ બાતમી મળતા તેને ઝડપી પાડી 11 વર્ષ જુના વરાછા પોલીસ મથકે નોંધાયેલા લૂંટનો ગુનો ઉકેલી નાંખવામાં આવ્યો હતો.

શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા અસામાજિક તત્ત્વો ઉપર સકંજો કસતી એસઓજી
સુરત: એસઓજી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં એસઓજીએ ચોકબજાર, પાંડેસરા અને લિંબાયતમાંથી છરી, ચપ્પુ અને તલવાર લઈને ફરતા 7 જણાને ઝડપી પાડ્યા હતા.

શહેરમાં હાલ પોલીસ કમિશનર દ્વારા કાયદો વ્યવસ્થાની જાળવણી માટે જે તે પોલીસ સ્ટેશન તથા ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની પણ સૂચના આપવામાં આવી છે. એસ.ઓ.જી. પીઆઈ આર.એસ.સુવેરા તથા પીએસઆઈ વી.સી.જાડેજાએ હથિયાર બંધીના જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા તથા અસમાજિક તત્વો ઉપર સંકજો કસવા માટે જાહેરમાં હથિયારો લઈ ફરતા ટપોરી તત્વોને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી હતી. ટીમો દ્વારા શહેરના અસરગ્રસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. દરમિયાન ચોકબજાર, પાંડેસરા તથા લિંબાયત વિસ્તારમાં જાહેરમાં છરી, ચપ્પુ તથા તલવાર જેવા ઘાતક હથિયારો લઈ ફરતા 7 જણા મળી આવ્યા હતા. જેમની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હથિયાર બંધીના જાહેરનામાના ભંગ અંગેના ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી મોહીત પટેલની સામે પાંડેસરામાં બે અને ખટોદરામાં બે ફરિયાદ અગાઉ પણ નોંધાઈ હતી.

Most Popular

To Top