સુરત: (Surat) શહેરના નાના વરાછા (Varachha) વિસ્તારમાં રહેતી ધોરણ ૬ ની વિદ્યાર્થિનીનો (Student) છેલ્લા 15 દિવસથી પીછો કરી છેડતી કરનાર રત્નકલાકારની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી હતી.
- ‘ચલ મારી સાથે ગાડી ઉપર બેસી જા’ કહી ધો. ૬ ની વિદ્યાર્થિનીની છેડતી કરનાર રત્નકલાકાર ઝડપાયો
- નાના વરાછામાં બાળકીને રસ્તામાં રોકી મોબાઈલમાં ગંદા ફોટો બતાવી ગાડી પર બેસી જવા કહ્યુ હતું
ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાના વરાછા જલારામ સોસાયટીમાં રહેતો 42 વર્ષીય અરવિંદ વલ્લભભાઈ નાકરાણી રત્નકલાકાર છે. તે છેલ્લા 15 દિવસથી તેમના જ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 10 વર્ષીય બાળકીનો પીછો કરતો હતો. ધોરણ 6 માં અભ્યાસ કરતી આ બાળકી સ્કુલ અને ટ્યુશન જતી વખતે રસ્તામાં ત્રણ ચાર વખત રોકી તેના મોબાઇલમાં ગંદા વિડીયો અને ફોટો પણ બતાવ્યા હતા.
શરૂઆતમાં બાળકીએ તેના ઘરે આ વાત કરતા બાળકીને ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ ફરી બે દિવસ પહેલા આ બનાવ બનતા આરોપીએ બાળકીને આલ્ફા રેસીડેન્સી પાસે રસ્તામાં રોકી મોબાઈલમાં ગંદા ફોટો બતાવ્યા હતા. અને બાળકીને ‘ચલ મારી સાથે ગાડી ઉપર બેસી જા’ તેમ કહી છેડતી કરી હતી. જેથી હેબતાઈ ગયેલી બાળકીએ ઘરે રડતા રડતા આ ઘટના જણાવી હતી. પરિવારે ત્યારબાદ આ બાબત ગંભીરતાથી લઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં સમગ્ર હકીકત જણાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
યૂ ટ્યૂબના વીડિયો લાઈક કરવાના બહાને 7.56 લાખની છેતરપિંડી
સુરત: અમરોલી ખાતે રહેતા શિક્ષક સાથે યુ ટ્યુબના વિડીયો લાઈક તથા કમેન્ટ કરવાના બદલામાં પેમેન્ટ આપવાની લાલચ આપી ભેજાબાજોએ 7.56 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ અમરોલી ન્યુ કોસાડ મહાવીર હાઈટ્સની સામે જીવન જ્યોત સોસાયટીમાં રહેતા અક્ષયકુમાર નટવરલાલ પ્રજાપતિ શિક્ષક છે. અક્ષયકુમારને 29 જુલાઈએ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. 29 જુલાઈથી ૩ ઓગસ્ટ સુધીમાં વોટ્સઅપ ઉપર અને ટેલીગ્રામ આઈડીથી મેસેજ કરનારે પોતાની ઓળખ દિલ્હીની કંપનીમાંથી માયા તરીકે આપી હતી. અક્ષયકુમારને યુ ટ્યુબ વિડીયો લાઈક અને કોમેન્ટ કરવાના તથા અલગ અલગ રેસ્ટોરન્ટના રેટિંગ તથા ટાસ્ક પુર્ણ કરવાથી પેમેન્ટ આપવાની લાલચ આપી હતી અને ટુકડે ટુકડે 7.67 લાખ પડાવી લીધા હતા. જેમાંથી 10 હજાર તેની માતાના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાકીના 7.56 લાખ પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. અક્ષયકુમારની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.