સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Corporation) કદાચ ગુજરાતની એવી મનપા છે. જેણે વિકાસ કામો માટે સૌથી વધુ ડિમોલિશનો (Demolition) કર્યાં છે. વિકાસના ઝાકઝમાળની આડમાં લાઇનદોરીમાં ઘર ગુમાવનાર હજારો પરિવારોના આંસુ નજર અંદાજ કરી દેવાયા છે. પરંતુ જેના માટે ડિમોલિશન થયા તેનો ખરો હેતુ પાર પડ્યો હોત તો ‘બહુજન હિતાય.. બહુજન સુખાય’નું સૂત્ર સાર્થક થતાં અને પ્રજાના વ્યાપક હિતમાં અમુક વર્ગને થતું નુકસાન માફીને પાત્ર પણ બનત. પરંતુ ખરેખર એવું થયું નથી. વિકાસના નામે શહેરમાં જે મોટાં ડિમોલિશન થયાં તેમાં રાજમાર્ગ, ઉધના મેઇન રોડ, વરાછામાં (Varachha) લંબે હનુમાનથી બુટભવાની થઇને સીતાનગર ચોક જતા રસ્તા પરનું ડિમોલિશન સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
જો કે, આ પૈકી મોટા ભાગના રસ્તા મિલકતોનું ડિમોલિશન કરીને પહોળા કરાયા બાદ પણ હજુ ટ્રાફિકની સમસ્યા યથાવત છે. જેની પાછળ દબાણકર્તાઓની દાદાગીરી અને મનપાના તંત્રવાહકોનું માટીપગાપણું જવાબદાર છે. લંબે હનુમાન રોડથી સીતાનગર ચોક જતા રસ્તા પર બીઆરટીએસ પ્રોજેક્ટ માટે 200 ફૂટનો રસ્તો બનાવવા 200થી વધુ મિલકતોનું વત્તુઓછું ડિમોલિશન કરાયું હતું. ખાસ કરીને અહીં બુટભવાની અને ગાયત્રી મેઇન રોડ પરની મિલકતો પર મનપાનાં બુલડોઝર ફર્યાં હતાં. જેના કારણે અનેક મધ્યમવર્ગીય પરિવાર ઘર વગરનો થઇ ગયો હતો. જો કે, આ લોકોનું બલિદાન એળે ગયું છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પહોળા થયેલા રસ્તા પર જાહેર બજાર ભરાતું થઇ ગયું છે. જેની સામે કોઇ નક્કર કાર્યવાહી થતી જ નથી. અને પ્રજા લાચારીથી હાલાકી સહન કરી રહી છે.
અહીં દબાણકર્તાઓ સામે રસ્તા પર ઊતરનાર, એસ.અપર્ણા જેવી હિંમત હવે કોણ કરશે ?
ગાયત્રીનગર મેઇનરોડ પર જ્યારે બીઆરટીએસનો રૂટ બન્યો ત્યારે શરૂઆતમાં આટલાં દબાણો નહોતાં. કેમ કે, તત્કાલીન મનપા કમિશનર એસ.અપર્ણાએ કડક રૂખ અપનાવ્યો હતો. અહીં વર્ષ 2010-11માં દબાણોની શરૂઆત થઇ ત્યારે મનપાની ટીમ દબાણ હટાવવા ગઇ તો માથાભારે દબાણકર્તાઓએ મનપાની ટીમ પર હુમલો કર્યો હતો અને મનપાના એક અધિકારીને પથ્થર વાગતાં માથું ફૂટી ગયું હતું. તેથી તત્કાલીન મનપા કમિશનર એસ.અપર્ણા ગીન્નાયાં હતાં અને બીજા દિવસે માથા પર હેલ્મેટ પહેરીને અહીં દબાણ હટાવવા રસ્તા પર ઊતર્યા હતા તેમજ સતત ઝુંબેશ ચલાવતા લાંબા સમય સુધી આ વિસ્તાર દબાણમુક્ત રહ્યો હતો. જો કે, એસ.અપર્ણાની બદલી ના થોડા જ દિવસોમાં અહીં ફરીથી દબાણકર્તાઓનો કબજો જામી ગયો હતો.
આ માટે તો અમારી મિલકતનું ડિમોલિશન નથી થવા દીધું : જ્યોતિબેન
બુટભવાની સોસાયટીમાં રહેતાં જ્યોતિબેન બીઆરટીએસ રૂટ પર થયેલા ડિમોલિશનનાં અસરગ્રસ્ત છે. જ્યોતિબેન પટેલ કહે છે કે, અહીં જેમતેમ કરીને મારા પપ્પાએ હીરા ઘસીને ભેગી કરેલી બચતથી કબજા રસીદવાળો ફ્લેટ લીધો હતો. પરંતુ ડિમોલિશનમાં ચાલ્યો ગયો ત્યારે વિકાસની વાતો કરી બધાને સમજાવી લેવાયા હતા. પરંતુ હવે આ રસ્તા પર દબાણર્તાઓનો કબજો અને દાદાગીરી જોઇને વિચાર આવે છે કે શું આ માટે અમારા પરિવારે ઘર ગુમાવ્યું હતું ?
નજીકમાં માર્કેટ બનાવી રસ્તા પર ધંધો કરતા ફેરિયાઓને સ્ટોલ આપવાનું આયોજન છે : રાજુ જોળીયા (સ્થાનિક નગરસેવક)
ગાયત્રી મેઇન રોડ વિસ્તારના સ્થાનિક નગરસેવક અને મનપાની હોસ્પિટલ કમિટીના ચેરમેન રાજેશ જોળીયાએ જણાવ્યું હતું કે, અગાઉ સોસાયટીના પ્રમુખોને સંગઠિત કરી અહીં દબાણો નહીં થવા દેવા ઝુંબેશ કરાવી હતી. પરંતુ ફરી સ્થિતિ જૈસે થે થઇ ગઇ હતી. જો કે, તેની પાછળનું કારણ અહીં રસ્તા પર ધંધો કરીને ગુજરાન ચલાવતા અત્યંત નબળી સ્થિતિના ફેરિયા પણ છે. તેથી અમે અહીં એકદમ નજીક જ ટી.પી.3 (કરંજ)ના ફાઇનલ પ્લોટ નં.108માં મનપાનો વિશાળ પ્લોટ છે તેના પર મલ્ટિપર્પઝ માર્કેટ બનાવવાનું આયોજન મંજૂર કરી દેવાયું છે. આ માર્કેટમાં સ્ટોલ ફાળવ્યા બાદ અહીં કોઇ દબાણકર્તાઓને બેસવા નહીં દેવાય અને પ્રજાની હાલાકી ઓછી થશે. આ સાથે લોકોને પણ અપીલ કરી હતી કે માર્કેટની અંદર જઇને ખરીદી કરતા થાય તો રસ્તા પર દબાણકર્તા ફેરિયાઓને પ્રોત્સાહન ન મળે.