SURAT

વરાછાના આ રોડ પર રાતના અંધારામાં યુવકની હત્યાથી ચકચાર

સુરત: સુરક્ષિત શહેર તરીકે વખણાતું સુરત (Surat) હવે સેફ રહ્યું હોય તેવું લાગતું નથી. અહીંના વરાછા (Varacha) વિસ્તારમાં મોડી રાત્રે ચાલતા જતા એક યુવક પર અજાણ્યાઓએ ચપ્પુથી હુમલો (Attack) કરી હત્યા (Murder) કર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવકનો મોબાઈલ ગાયબ હોઈ લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું અનુમાન લગાવી પોલીસે તપાસ શરૂ કરી છે. યુવક એક રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરતો હોવાની માહિતી સાંપડી છે.

  • અશ્વીનીકુમાર વસુંધરા ઈન્ડસ્ટ્રીઝના રોડ પર હત્યા
  • રેસ્ટોરન્ટના વેઈટરની અજાણ્યાઓએ ચપ્પુ હુલાવી કરી હત્યા
  • મોબાઈલ લૂંટવાના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા

પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા પોલીસ મથકના હદ વિસ્તારમાં અશ્વીનીકુમાર પાસે આવેલી વસુંધરા ઈન્ડસ્ટ્રીઝ પાસેથી ગઈકાલે બુધવારે રાત્રે એક રેસ્ટોરન્ટનો વેઈટર ચાલતો ઘરે જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ઈસમોએ તેના પેટ સહિત શરીરના ભાગો પર ચપ્પુના ઘા ઝીંકયા હતા. ખૂબ જ ક્રુરતાથી એકથી વધુ ઘા કર્યા હોય યુવકનું મોત થયું હતું. આ ઘટના અંગે જાણ થતા વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના ખિસ્સામાંથી મળી આવેલા રેસ્ટોરન્ટના વિઝિટીંગ કાર્ડ પરથી તેની ઓળખ કરી હતી અને તેના પરિવારજનોને જાણ કરાઈ હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર યુવકનું નામ દિપકકુમાર કૃષ્ણાચંદ્ર મહાકુંડ (ઉં.વ. 32) વરાછાના પટેલ નગરમાં રહે છે. ગજેરા સર્કલ પાસે આવેલી એક રેસ્ટોરન્ટમાં તે વેઈટર તરીકે નોકરી કરતો હતો. રોજની જેમ ગઈકાલે રાત્રિના સમયે તે નોકરી પરથી છૂટ્યા બાદ ચાલતો ઘરે જઈ રહ્યો હતો. અશ્વીનીકુમાર વસુંધરા ઈન્ડસ્ટ્રીઝ પાસેથી તે પસાર થતો હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેની પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેના પેટ, મોંઢા અને દાઢીના ભાગે ઈજા થઈ હતી. ગંભીર ઈજાના લીધે તેનું મોત થયું હતું.

મૃતક યુવકના સંબંધી રણજીત નહાકે કહ્યું કે, પુત્ર અને પત્ની સાથે દિપક સુરતમાં રહેતો હતો. રેસ્ટોરન્ટમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. ભાડાના રૂપિયા નહીં હોય તે પગપાળા જ રોજ ઘરે થી રેસ્ટોરન્ટ અવરજવર કરતો હતો. તેનો મોબાઈલ ગાયબ છે જેથી એવું લાગે છે કે મોબાઈલ લૂંટવાના ઈરાદે તેની હત્યા કરાઈ છે. હત્યાનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top