SURAT

નાનાવરાછાના એમ્બ્રોડરી કારખાનેદારને મેક માય ટ્રીપ પર ટિકિટ બુકીંગ 2.55 લાખમાં પડ્યું

સુરત: (Surat) શહેરના નાના વરાછા ખાતે રહેતા અને સારોલીમાં એમ્બ્રોડરીનું ખાતુ ધરાવતા કારખાનેદારે કામ અર્થે કલકત્તાની ટિકિટ (Ticket) બુક કરાવી હતી. બાદમાં આ ટિકિટ કેન્સલ થયાનો ફોન આવતા તેમને રિફંડ (Refund) માંગ્યું તો અજાણ્યાએ તેમના ખાતામાંથી 2.55 લાખ ઉપાડી લીધા હતા.

  • નાનાવરાછાના એમ્બ્રોડરી કારખાનેદારને મેક માય ટ્રીપ પર કલકત્તાની ટિકિટ બુકીંગ કરવાનું 2.55 લાખમાં પડ્યું
  • ફોન ઉપર અજાણ્યાએ દિલીપભાઈને મેક માય ટ્રીપના કર્મચારી તરીકે મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઇ એનીડેસ્ક રીમોટ કંટ્રોલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી
  • ટિકિટ કેન્સલ થતા રિફંડ કરવાના બહાને અજાણ્યાએ તેમના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા

નાના વરાછા ખાતે સુર્યકિરણ સોસાયટીમાં રહેતા 39 વર્ષીય દિલીપભાઇ ગોવિંદભાઇ ઘોરી સારોલી પુણા કુંભારીયા રોડ પર રોયલ ટાઉનશીપમાં એમ્બ્રોડરીનો ધંધો કરે છે. તેમના દ્વારા કાપોદ્રામાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને 1 એપ્રિલે ધંધાના કામથી કોલકત્તા જવાનું હતુ. જેથી 17 માર્ચે સુરતથી કલકત્તા માટેની પ્લેનની ટિકિટ મેક માય ટ્રીપ નામની એપ્લિકેશન દ્વારા બુકીંગ કરાવી હતી. દરમિયાન ગો ઇન્ડિયા એરલાઈન્સ તરફથી ગત 31 માર્ચે ફોન આવ્યો હતો. અને કોઈ કારણસર ટિકિટ કેન્સલ થયાનું કહ્યું હતું. અને બીજા દિવસની ટિકિટ મળે તેમ હોવાનું કહ્યું હતું. જેથી દિલીપભાઈએ હા પાડી હતી.

જોકે બીજા દિવસે પણ ટિકિટ કેન્સલ થયાનો ફોન આવ્યો હતો. બાદમાં તેમણે રિફંડ માંગી લીધું હતું. તેમ છતા રકમ રીફંડ મળી નહોતી. જેથી ગુગલમાં મેક માય ટ્રીપનો હેલ્પલાઇન નંબર સર્ચ કરતા તેમણે સંપર્ક કર્યો હતો. ફોન ઉપર અજાણ્યાએ દિલીપભાઈને મેક માય ટ્રીપના કર્મચારી તરીકે મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઇ એનીડેસ્ક રીમોટ કંટ્રોલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. અને તેમાં અલગ-અલગ પ્રોસેસ કરાવી દિલીપભાઈની જાણ બહાર તેમના એચ.ડી.એફ.સી બેંકના બે અલગ-અલગ કરંટ અકાઉન્ટમાંથી ટુકડે-ટુકડે મળી 2.55 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top