SURAT

બેટરી બ્લાસ્ટ થતાં વરાછાના ઈલેક્ટ્રીક બાઈકના શો રૂમમાં આગ લાગી

સુરત: ઈલેક્ટ્રીક બાઈક અને તેના શો રૂમમાં આગ લાગવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. આજે સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઈ-બાઈકના શો રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગના બનાવના લીધે શો રૂમમાં મુકેલી મોટા ભાગની ઈ-બાઈક અને મોપેડ સળગી ગયા હતા. બેટરી બ્લાસ્ટ થવાના લીધે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે.

  • આઈમાતા રોડ પર આવેલા શો રૂમમાં આગ
  • શ્રી જલારામ ઈલેક્ટ્રીક શો રૂમમાં આગ
  • પુણા, ડુંભાલ અને કાપોદ્રાના ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી કરાઈ
  • 12 ઈલેક્ટ્રીક બાઈક સહિત એસી, કમ્પ્યૂટર સહિતનું ફર્નિચર બળીને ખાક થયું
  • ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 8.18 કલાકે ફાયર બ્રિગેડને વરાછામાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. સ્થળ પર જઈ તપાસ કરતા આઈમાતા રોડ પર ડીઆર વર્લ્ડ નજીક આવેલા જે.બી. નગરની દુકાન નં. 12 અને 13માં આગ લાગી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ દુકાનમાં શ્રી જલારામ ઈલેક્ટ્રીક શો રૂમ આવેલો હતો. આ શો-રૂમ બંધ હતો ત્યારે સવારે 8 કલાકે અહીં આગ લાગી હતી. આગ મોટી હોય પુણા, ડુંભાલ અને કાપોદ્રાના ફાયર સ્ટેશન પરથી ફાયરની ગાડીઓએ દોડી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

ફાયરના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શ્રી જલારામ ઈલેક્ટ્રીક શો રૂમની માલિકી પ્રશાંત રાજેશભાઈ રાઠોડની છે. આજે સવારે શો-રૂમ બંધ હતો ત્યારે આગ લાગી હતી. તપાસ કરતા ઈલેક્ટ્રીક બેટરીમાં બ્લાસ્ટ થયો હોવાના લીધે આગ લાગી હતી. આ આગમાં 12 જેટલી ઈલેક્ટ્રીક બાઈક અને મોપેડ સળગી ગયા હતા. આ ઉપરાંત એરકન્ડીશન, ટેબલ, કમ્પ્યૂટર અને ફર્નિચર સહિત બધું જ બળીને ખાક થયું હતું. ઈલેક્ટ્રીક બાઈકમાં લગાડવા માટે મુકવામાં આવેલી 40થી 45 બેટરી પણ સળગી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે ઈલેક્ટ્રીક બાઈક અને મોપેડમાં બેટરી ગરમ થવાના લીધે આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બહાર આવી રહી છે. અગાઉ પણ બાઈક તથા શો રૂમમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. એક તરફ સરકાર સતત ઈ વ્હીકલ્સને પ્રમોટ કરી રહી છે ત્યારે બીજી તરફ આગ લાગવાની ઘટનાઓને લીધે યુઝર્સ અને કંપનીઓની ચિંતામાં વધારો થયો છે. આ સમસ્યાનો ઉકેલ કંપનીઓએ શોધવો પડશે.

Most Popular

To Top