નવસારી : સુરતથી (Surat) વાપી (Vapi) જતી ટ્રેનોમાંથી (Train) મુસાફરોના મોબાઈલ (Mobile) ચોરતી ગેંગને (Gang) નવસારી એલ.સી.બી. પોલીસે (Police) ચોરીના મોબાઈલ સાથે વિજલપોરમાંથી (Vijalpor) ઝડપી પાડી છે. પોલીસે 1.55 લાખના 19 મોબાઈલ કબજે કરી આગળની વધુ તપાસ અર્થે વિજલપોર પોલીસ મથકને સોંપી છે.
- નવસારી એલ.સી.બી. પોલીસે વિજલપોરમાંથી 4 ચોરને પકડી રૂ. 1.55 લાખના 19 મોબાઈલ કબજે કર્યા
- ગુનેગારોએ સુરતથી વાપી જતી ટ્રેનોમાં પેસેન્જરોની નજર ચૂકવી મોબાઇલો ચોરી કરી લાવી રાજેન્દ્રને વેચી દેતા હોવાનું કબુલ્યું
વિજલપોર ગોકુળપુરા ચંદન તળાવની પાસેથી ચોરીના 19 મોબાઈલ સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં મૂળ યુ.પી.ના પ્રતાપગઢ જિલ્લાના લાલગજ તાલુકાના ધનસારી ગામનો વતની અને હાલ વિજલપોરના ગોકુળપુરામાં રહેતો પેનસિંગ હરીકરનસિંગ રાજપૂત, મૂળ મહારાષ્ટ્ર ધુલે જિલ્લાના સિંધખેડા તાલુકાના દેવી ગામનો વતની અને હાલ વિજલપોર શ્યામનગરમાં રહેતો રવિન્દ્ર સુદામ મહાલે, મૂળ મહારાષ્ટ્ર જલગાંવ રેલવે સ્ટેશનની પાછળના વિસ્તારનો વતની અને હાલ વિજલપોર નવદુર્ગાનગર ગલી નં. 8માં રહેતો દિનેશ ગોપીચંદ આહિરે તેમજ મૂળ યુ.પી. અભોલી તાલુકાના ભદોઈ ગામનો વતની અને હાલ વિજલપોર હનુમાનનગરમાં રહેતો રાજેન્દ્રભાઈ શ્યામલાલ ગુપ્તાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચારેયની પૂછપરછ કરતા રૂપેનસિંગ, રવિન્દ્ર અને દિનેશ સુરતથી વાપી જતી ટ્રેનોમાં પેસેન્જરોની નજર ચૂકવી મોબાઇલો ચોરી કરી લાવી રાજેન્દ્રને વેચી દેતા હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે 1.55 લાખના 19 મોબાઈલ કબજે કરી આગળની વધુ તપાસ અર્થે વિજલપોર પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.
તવડી ગામ પાસે ટ્રેનમાંથી પડી જતા સુરતના યુવાનનું મોત
નવસારી : તવડી ગામ પાસે રેલવે બ્રિજ પાસે ટ્રેનમાંથી પડી જતા સુરતના યુવાનનું મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, સુરતના એ.કે.રોડ રૂસ્તમ બાગ મંદિર પાસે શૌચાલયની પાછળ શિવનગર સોસાયટીમાં ધનરાજભાઈ હરીભાઈ મહાજન તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 13મીએ ધનરાજભાઈ કોઈ ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતા. દરમિયાન નવસારીના તવડી ગામ નજીક રેલવે બ્રિજ પાસે ટ્રેનમાંથી પડી ગયા હતા. જેના કારણે તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ લોટનભાઈએ મરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. નઈમખાનને સોંપી છે.