સુરત (Surat): શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી વનિતા વિશ્રામ (Vanita Vishram) કેમ્પસની વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં (VDT Girls High School) આજે બપોરે 12.21 કલાકે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ઈમરજન્સી બેલ વગાડી વિદ્યાર્થીનીઓ (Students) અને શિક્ષકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, ત્યાર બાદ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
- સ્કૂલની મીટર પેટીમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી
- ઈમરજન્સી બેલ વગાડી વિદ્યાર્થીનીઓને બહાર ખસેડાઈ
- વાલી અને વિદ્યાર્થીનીઓમાં ગભરાટ વ્યાપી ગયો
- આગની ઘટનાને પગલે વનિતા વિશ્રામ સ્કૂલમાં રજા આપી દેવાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે રાબેતા મુજબ વનિતા વિશ્રામની વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં શિક્ષણ કાર્ય શરૂ થયું હતું, ત્યારે અચાનક કલાસ રૂમથી થોડે દૂર ખૂણામાં આવેલી મીટર પેટીમાંથી ધૂમાડા નીકળવા માંડ્યા હતા. શોર્ટ સર્કિટના લીધે આગના તણખાં પણ ઉડી રહ્યાં હતાં. સ્કૂલના કર્મચારીઓની નજર મીટર પેટી પરથી ઉઠતાં ધૂમાડા પર પડતા તાત્કાલિક તેઓએ પ્રિન્સીપલ ડો. અનિષા મહિડાને જાણ કરી હતી.
આચાર્યાએ સમયસૂચકતા વાપરતા તરત જ ઈમરજન્સી બેલ વગાડી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને આગથી દૂર સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી હતી, જેના પગલે શાળામાં ભાગદોડ મચી ગઈ હતી. આ તરફ આગનો કોલ મળતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર ઓફિસર અક્ષર પટેલે જણાવ્યું કે, મીટર પેટીમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. વાયરીંગ બળી ગયા હતા. ધુમાડો ઉઠી રહ્યો હતો. અઠવા અને મજુરાગેટ ફાયર બ્રિગેડની ટીમ કોલ મળતા જ દોડી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લેવાયો છે.આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એક મીટર બળી ગયું છે.
આગની ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓ અને વાલીઓ ગભરાઈ ગયા હતા. વનિતા વિશ્રામ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલ છે. વિદ્યાર્થીનીઓ આગ જોઈ ખૂબ જ ડરી ગઈ હતી. આગ લાગ્યા બાદ શાળામાંથી વિદ્યાર્થીનીઓને રજા આપી દેવામાં આવી હતી. આગની માહિતી મળતા વાલીઓ પણ સ્કૂલે દોડી આવ્યા હતા. સ્કૂલ કેમ્પસમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. વરસતા વરસાદમાં વાલી, વિદ્યાર્થીનીઓ સ્કૂલથી દૂર જવા પ્રયાસ કરતા જોવા મળી રહ્યાં હતાં.