સુરત: (Surat) સુરત કોઈને કોઈ કારણસર દેશ ભરમાં ચર્ચામાં રહે છે. આ વખતે સુરત રેલવે સ્ટેશન વંદે ભારતના એક્સપ્રેસના (Vande Bharat Express) કારણે ચર્ચામાં આવ્યું છે. આજ રોજ અમદાવાદથી મુંબઈ માટે રવાના થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો એક પણ દરવાજો ખૂલ્યો નહતો. 700 થી પ્રવાસીઓ હેરાન થયા હતા. દેશમાં વંદે ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે કોચના દરવાજા નહીં ખુલ્યા. ત્યાર બાદ ટેકનિકલ ટીમે મેન્યુઅલી દરવાજા ખોલ્યા હતા.
રેલવે સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર આજ રોજ સવારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી ટ્રેન નંબર 22962 અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ તેના નિર્ધારીત સમયે મુંબઈ માટે રવાના થઈ હતી. ટ્રેનની ઓક્યુપેસી 90 ટકા હતા. ટ્રેન વડોદરા તેના સમય પર પહોંચી અને સુરત રેલવે સ્ટેશન પર પણ તેના નિર્ધારીત સમય 8.20 મિનિટે પહોંચી હતી. ટ્રેન પહોંચી પરંતુ ટ્રેન એક પણ કોચના દરવાજા ખુલ્યા નહતા. તેથી મુસાફરો હેરાન થયા હતા. ટ્રેનમાં ચઢવા કરતા ઉતરવાવાળા મુસાફરો બહુ હેરાન થયા હતા.
ટ્રેનનો દરવાજો ન ખુલતા સ્ટેશન ડિરેક્ટર મુકેશ સિંગ સહિતના અધિકારીઓ પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતા. અડધો કલાક સુધી દરવાજો ન ખુલતા ટેકનિકલ ટીમને બોલાવવામાં આવી હતી. આ ટીમે મેન્યુઅલી એક પછી એક એમ તમામ કોચના દરવાજા ખોલ્યા હતા. ત્યાર બાદ પ્રવાસીઓ ટ્રેનની બહાર નિકળ્યા અને વાપી,મુંબઈ તરફ જનારા મુસાફરો ટ્રેનમાં ચઢ્યા હતા. આના કારણે 1000 થી વધુ મુસાફરો હેરાન થયા હતા. 55 મિનિટ બાદ એટલે કે 9.15 મિનિટે ટ્રેન મુંબઈ માટે રવાના થઈ હતી. સ્ટેશન ડાયરેક્ટર મુકેશ સિંગે જણાવ્યું હતું કે તમામ કોચના દરવાજા મેન્યુઅલી બંધ કરીને 55 મિનિટ બાદ મુંબઈ માટે ટ્રેન રવાના કરાઈ હતી.આ ઘટનાની જાણ હેડ ક્વાટર મુંબઈ ખાતે તેમજ રેલવે બોર્ડમાં પણ જાણ કરવામાં આવી હતી. કારણ કે આખા ભારતમાં વંદે ભારત એક્સપ્રેસના ઇતિહાસમાં એવું પહેલી વખત થયું કે એક પણ કોચના દરવાજો ખુલ્યો નહતો.
ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરતા 1000 પેસેન્જરો હેરાન થયા
ટ્રેન અમદાવાદથી રવાના થઈ ત્યારે 90 ટકા ઓક્યુપેસી હતી. અમદાવાદ-વડોદરાથી 300 થી વધુ પેસેન્જરો સુરત ઉતરવાના હતા અને 400થી વધુ પેસેન્જરો વાપી,બોરીવલી અને મુંબઈ માટે જવાના હતા. ઉપરાંત અન્ય પ્રવાસીઓ ટ્રેનમાં હતા. ઓટોમેટિક દરવાજો ન ખુલતા દરવાજા મેન્યુઅલી ખોલવામાં આવ્યા હતા. તે માટે ટ્રેનનો ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરવો પડ્યો હતો. એસી અને લાઈટ વગર પ્રવાસીઓ પરસેવે રેબઝેબ થયા હતા.
ચારેક ટ્રેનો પણ મોડી પડી
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસનો હોલ્ટ ટાઈમ 5 મિનિટનો છે. તે 8.20 વાગે આવીને 8.25 મિનિટે મુંબઈ માટે રવાના થઈ હતી. દરવાજા ન ખુલતા ટ્રેન 55 મિનિટ રોકાયા બાદ મુંબઈ માટે રવાના થઈ હતી. 55 મિનિટ સુધી વંદે ભારત એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 2 પર રોકાઈ રહી હતી. તે કારણે તે સમયગાળામાં આવતી અન્ય ચારેક ટ્રેનો પણ મોડી પડી હતી.