વ્યારા: (Vyara) સુરતનાં મુસ્લિમ યુવકે તેના જ સમાજની યુવતી સાથે સગાઇ કરી લગ્ન (Marriage) માટેની તારીખ નક્કી થયા બાદ શોપિંગ કરવાનાં બહાને સુરત બોલાવી પરત યુવતીનાં વિસ્તારમાં જ તેણી સાથે મરજી વિરૂધ્ધ શારિરીક સંબંધ બાંધતા યુવતીએ પોલીસ ફરિયાદ આપી હતી. યુવતીએ જુબેર મલેક વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે બળાત્કાર અંગેનો ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
- “તું મને શારીરિક સંબંધ નહીં બાંધવા દે, તો હું તારી સાથે નિકાહ નહીં કરૂં”
- સુરતના મુસ્લિમ યુવકની પોતાની વાલોડની મંગેતર સાથે જ બળજબરી, યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી
સુરત પંપીગ વેડ દરવાજા, પોલીસ ચોકી પાસે રહેતો જુબેર ફારૂક મલેકની સાથે વાલોડ તાલુકાનાં બાપુનગરમાં તળાવની પાળ પાસે રહેતી તેનાં જ સમાજની ૨૧ વર્ષિય યુવતી સાથે સગાઈ થઈ હતી. ત્યારબાદ નિકાહની તારીખ પણ નક્કી થઇ જતા જુબેર મલેકએ નિકાહની શોપીંગના બહાને યુવતીને સુરત ખાતે બોલાવી હતી. ત્યાંથી વાલોડ ખાતે મોટર સાયકલ ઉપર આવતી વખતે તા.૧૧/૦૯/૨૦૨૩નાં રોજ રાત્રીના સવા દસેક વાગ્યાના સમયે શિકેર ગામની સીમમાંથી પસાર થતા વાલોડ શિકેર રોડ ઉપર જુબેરએ આ યુવતીને રોડની બાજુમાં આવેલ ખેતરમાં લઇ જઇ અશ્લીલ હરકતો કરી હતી.
યુવતી સાથે બળજબરી “તું મને શારીરિક સંબંધ નહીં બાંધવા દે તો હું તારી સાથે નિકાહ નહીં કરૂં” તેવી ધમકી આપી યુવતીની ઇચ્છા વિરૂધ્ધ બળજબરીથી તેણી સાથે શારીરીક સબંધ બાંધતા યુવતીએ જુબેર મલેક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. જેને લઈ પોલીસે જુબેર મલેક વિરૂધ્ધ બળાત્કાર અંગેનો ગુન્હો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.