વડોદરા: વડોદરામાં (Vadodara) મરણ પ્રંસગમાં સુરતથી (Surat) બાઈક (Bike) લઈને હાજરી આપવા આવી રહેલા સુરતના આધેડ હીરાઘસુ ઉપર પોર ગામના જુના બ્રીજ પર ટ્રકના પૈડાં ફરી વળતા સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ આધેડે હેલ્મેટ પહેર્યું હતું. પરંતુ, ટ્રકની (Truck) જોરદાર ટક્કર સાથે તે હવામાં ફંગોળાઈ ગયા હતા. ટ્રકના તોતીંગ પૈડાં નીચે આવી ગયા હતા. આ બનાવ અંગે વરણામા પોલીસે (Police) અજાણ્યા ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સુરતના વરાછા રોડ વિસ્તારમાં સંતોષનગર મારુતિ ચોકમાં રહેતા અને સુરત શહેરમાં હીરા ઘસવાનું કામ કરતા 61 વર્ષીય વિનુભાઈ ભાદાભાઇ ડોબરીયા સુરતથી મોટર સાઇકલ લઇ વડોદરાના અકોટા ખાતે રહેતા સંબંધીના ઘરે અશુભ પ્રસંગમાં હાજરી આપવા માટે આવી રહ્યા હતા. જ્યાં વિનુભા ડોબરીયા વડોદરા નેશનલ હાઇવે નંબર-48 પર પોર ગામના જુના બ્રીજ પરથી પસાર થઇ રહ્યા હતા.
આ દરમિયાન પૂરઝડપે આવી રહેલ ટ્રકે વિનુભાની મોટરસાઇકલને ટક્કર મારતા તેઓ હવામાં ફંગોળાઈ ગયા હતા. હવામાં ફંગોળાની સાથે તેઓનું હેલ્મેટ પણ દૂર જઈને પડ્યું હતું અને તેઓ ટ્રકના તોતિગ પૈડાં નીચે આવી જતા સ્થળ ૫ર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતના પગલે વરણામા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિનુભા ડોબરીયાના મૃતદેહનો કબજો લઇ મૃતદેહને પોર સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
આ બનાવ બનતા સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અરેરાટીભર્યા આ બનાવ અંગે પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આ બનાવની જાણ સુરત ખાતે રહેતા પરિવારજનોને થતા તેઓ પોર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.પરિવારના મોભીનું મોત થતા પરિવારજનોના આક્રંદે હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો