સુરત: (Surat) રીંગરોડની એનટીએમ માર્કેટમાં (Textile Market) વેપારી સંગઠનો સાથે યોજાયેલી બેઠકમાં પાલિકા કમિશનર બંછાનીધી પાનીએ વેપારી આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે કાપડ માર્કેટના વેપારીઓને ત્રણ પ્રકારની અપીલ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હોળી ધૂળેટીના સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે નહીં તેવું જણાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં 1 એપ્રિલથી કાપડ માર્કેટમાં કામ કરતા 45 વર્ષથી વધુ વયના વ્યકિતઓએ વેકસીન (Vaccine) આપવામાં આવશે તેવું જણાવાયું હતું.
વેપારી સંગઠનોને વિનંતી કરવામાં આવી છે કે, કાપડ માર્કેટમાં પ્રત્યેક વ્યકિત માસ્ક પહેરે અને સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી કરે, 1 એપ્રિલથી કાપડ માર્કેટમાં કામ કરતા 45 વર્ષથી વધુ વયના વ્યકિતઓએ વેકસીન લેવી પડશે. પાલિકા દ્વારા માર્કેટ વિસ્તાર અને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત કાપડ માર્કેટમાં ચાલુ વર્ષે હોળી ધૂળેટીના કોઇ કાર્યક્રમો યોજાશે નહીં. હોળી ધૂળેટીની ઉજવણીમાં માસ્કમાં પાણી પડે છે જેને લીધે માસ્કની વેલ્યુ પૂર્ણ થઇ જાય છે તેથી વેપારીઓને રંગ અને પાણીનો ઉપયોગ નહીં કરવા અપીલ કરવામાં આવી છે. તેમ છતાં જો રાજ્ય સરકારના નિર્ણયને અવહેલના કરીને માર્કેટમાં હોળી ધૂળેટીના કાર્યક્રમો યોજાશે તો માર્કેટના પ્રમુખ સેક્રેટરી સહિતના જવાબદાર વ્યકિતઓએ જવાબદારી લેવી પડશે.
દરમિયાન ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ અને મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે પાલિકા કમિશનરે કરેલા સૂચન પ્રમાણે માર્કેટમાં હોળી ધૂળેટીના સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે નહીં. ફોસ્ટા દ્વારા દરેક માર્કેટના પ્રમુખ સેક્રેટરી અને મેન્ટેનન્સ વિભાગના જવાબદાર વ્યકિતઓને જાણ કરવામાં આવી છે. તે ઉપરાંત 1 એપ્રિલથી માર્કેટમાં કામ કરતા વેપારી અને કામદારો માટે વેકસીનેશનની ઝુંબેશ પણ ચલાવવામાં આવશે. આજે પાલિકાના મેયર હેમાલી બોઘાવાળા સાથે મળી માર્કેટ વિસ્તારમાં સેનેટાઇઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ફોસ્ટા દ્વારા 29 માર્ચના સોમવારે ધૂળેટીની રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે દિવસે તમામ કાપડ માર્કેટ બંધ રહેશે. જયારે શનિવારે કાપડ માર્કેટ રાબેતા મુજબ ખુલ્લા રહેશે.