સુરત: (Surat) સુરત મનપા દ્વારા શહેરમાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે વેક્સિનેશનમાં ઝડપ વધારવામાં આવી છે. જો કે વેક્સિનની (Vaccination) સ્પીડ વધી છે તેમ તેમ કોરોનાનું સંક્રમણ પણ ફરીથી વધી રહ્યું હોય હવે મનપાના આરોગ્યતંત્રએ વેક્સિનેશનની સાથે સાથે ફરીથી કોરોનાને કાબુમાં રાખવા માટે એમ બે મોરચા પર લડવું પડી રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે હાલમાં રોજના 100થી વધુ દર્દીઓ નોંધાવા માંડયા છે. તેમાં સૌથી વધુ દર્દી અઠવા ઝોનના (Zone) હોય છે. ત્યાં અત્યાર સુધીના કુલ વેક્સિનેશનના 20 ટકા ડોઝ આપી દેવાયા છે. જયારે રાંદેર અને વરાછા ઝોન-એમાં પણ દર્દીઓ વધુ છે ત્યાં પણ 15-15 ટકા ડોઝ મુકી દેવાયા છે. આમ જયાં કુલ વેક્સિનેશનના 50 ટકા ડોઝ અપાયા ત્યાં જ સંક્રમણ પણ વધુ છે. અત્રે ઉલ્લખનીય છે કે અત્યાર સુધીમાં સુરત મનપા દ્વારા 1.14 લાખ લોકોને વેક્સિન મુકાઇ ચૂકી છે.
શહેરમાં ફરી કલ્ટસ્ટર ઝોન વધ્યા : ઠેર ઠેર બેરિકેડ મુકી ચેકપોસ્ટ ઉભા કરાયાં
સુરત મનપા દ્વારા કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે ફરીથી એન્ફોર્સમેન્ટ, કન્ટેન્ટમેન્ટ અને કોન્ટેક ટ્રેસિંગ મિકેનિઝમનો આશરો લેવાયો છે, ત્યારે હવે જે વિસ્તારોમાં વધુ કોરોના સંક્રમિત દર્દીઓ હોય ખાસ કરીને અઠવા અને રાંદેર ઝોનમાં ઠેક ઠેકાણે પતરાની આડશ તેમજ બેરીકેડની મદદથી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેથી આ વિસ્તારમાંથી પસાર થતા લોકોને જાણ થાય કે આ વિસ્તારમાં સંક્રમણ વધુ છે.
વધુ 40 સ્કૂલોમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવતાં વધુ 3 વિદ્યાર્થી પોઝિટિવ મળ્યાં
મનપા દ્વારા સ્કૂલ-કોલેજોમાં રોજે રોજ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમાં સોમવારે વધુ 40 સ્કુલોમાં 2300થી વધુ બાળકો અને સ્ટાફના ટેસ્ટિંગ કરાયાં હતાં. તેમાંથી કતારગામ ઝોનમાં 2 વિદ્યાર્થીઓ તેમજ રાંદેર ઝોનનાં એક મળી કુલ 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં હતાં.
વેક્સિનેશનની સ્પીડ વધતાં જથ્થો કટોકટ, મનપાને વધુ 15 હજાર વેક્સિન મળી
સુરત મનપા દ્વારા કોરોનાના વેક્સિનેશનમાં સ્પીડ વધારવામાં આવી છે. વધુમાંવધુ સેન્ટરો ઉભા કરીને વધુમાં વધુ લોકોને વેક્સિન આપવાનું ચાલુ કરાયું છે. ત્યારે હવે શહેરમાં કોરોનાનો જથ્થો પણ કટોકટ થયો છે. સોમવારે કોરોનાનો ગઇકાલ સુધીનો સ્ટોક પુરો થઇ ગયો હતો. જો કે વધુ 15 હજાર વેક્સિન મળી જતાં વેક્સિનનું કામ યથાવત રહેશે તેવું મનપાના સુત્રો જણાવી રહ્યાં છે.
માર્કેટ વિસ્તારમાં જે દુકાનમાં પોઝિટિવ મળે તે જ બંધ કરાવાશે
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને અઠવા ઝોનમાં સંક્રમણ વધુ છે. તેની સીધી અસર માર્કેટ વિસ્તારમાં જોવા મળી રહી છે. કેમકે અઠવા ઝોનમાં રહેતા લોકો માર્કેટ સાથે વધુ સંકળાયેલા છે. ત્યારે મનપા કમિશનરે જણાવ્યું હતું કે જે દુકાનમાં કોરોનાના પોઝિટિવ દર્દી મળશે તે જ દુકાન બંધ કરાવાશે. બાકીની તેની આજુબાજુની દુકાનોમાં ટેસ્ટિંગ કરાવવામાં આવશે.