સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સીનેશનની (Vaccination) કામગીરી ઉપર અટવાઇ પડી છે, સિવિલ હોસ્પિટલને કોરોના વેક્સીન નહીં મળતા માત્ર સિનિયર સિટીઝનને (Senior Citizens) જ વેક્સીન આપવા માટેના બોર્ડ લાગ્યા હતા. જેને લઇને ગ્રૂપમાં કે પછી રજીસ્ટ્રેશન કરાવીને આવનારા લોકોને વીલા મોંઢે પરત ફરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ રોજના 35 વાયલની જગ્યાએ આજે 15 જ વાયલ આવ્યા હતાં. 15 વાયલમાંથી 150 સિનિયર સિટીઝનને જ વેક્સિન આપવાની કામગીરી કરાઈ હતી. ત્યારે 250થી વધુ મેડિકલ સ્ટુડન્ટને પરત મોકલઈ દેવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
કોરોનાને હરાવવા માટે તા. 16મી જાન્યુઆરીથી વેક્સીનેશનનો પ્રારંભ થયો હતો. શહેરમાં અત્યાર સુધીમાં લાખ્ખોની સંખ્યામાં વેક્સીનેશન પણ અપાયુ છે. બીજી તરફ 1 માર્ચથી તમામ લોકોને સરકારી અને હવે પ્રાઇવેટ સેન્ટરોમાં પણ વેક્સીનેશન આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. સોમવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વેક્સીનેશનનો જથ્થો ખુટી પડ્યો હતો. માત્ર પાંચ વાઇલ એટલે કે 50 વ્યક્તિને જ વેક્સીનેશન કરવામાં આવ્યું હતું.
સવારના સમયથી જ વેક્સીન લેવા આવતા લોકોને ડોક્ટરોએ વિનંતી સાથે વેક્સીન ન હોવાનું કહીને પરત મોકલાવ્યા હતા. મેડીકલ કોલેજના 250 થી વધુ લોકો આજે વેક્સીન લીધા વગર જ પરત ફર્યા હતા. બપોર બાદ સિવિલ હોસ્પિટલના વેક્સીન સેન્ટર ઉપર બોર્ડ મારી દેવાયું હતું કે, હવે માત્ર 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ વેક્સીન આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં વેક્સીનનો જથ્થો પુરો થઇ ગયો હોવાને કારણે અનેક લોકો અટવાઇ પડ્યા હતા.
સિવિલ હોસ્પિટલના પીએસએમ વિભાગના વડા ડો. કોસંબીયા પાસે વેક્સીનેશનની કોઇ માહિતી જ નથી
અત્યાર સુધીમાં સુરતની નવી સિવિલમાં કેટલુ વેક્સીનેશન કરવામાં આવ્યું છે તે બાબતે સિવિલ હોસ્પિટલના પીએસએમ વિભાગના વડા તેમજ વેક્સીનેશન કામગીરીના વડા ગણાતા ડો. જયેશ કોસંબીયાને પુછવામાં આવતા તેઓની પાસે માહિતી જ નથી. ડો. કોસંબીયાએ કહ્યું હતું કે, હું મીટીંગમાં છુ તમે સેન્ટર ઉપર પુછી શકો છો. પરંતુ સેન્ટર ઉપર પણ કોઇ માહિતી મળી ન હતી અને ડો. કોસંબીયાએ વારંવાર ગોળગોળ જવાબો આપ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ કેટલા વ્યક્તિનું રજીસ્ટ્રેશન થાય છે અને કેટલા વ્યક્તિને વેક્સીન આપવામાં આવે છે તે માહિતી પણ ડો. કોસંબીયા પાસે ન હતી.