સુરત: કોરોના (Corona)ના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન (vaccination) ખૂબ મહત્ત્વનું છે. સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈન (guideline)નું પાલન કરવું તો જરૂરી જ છે, પરંતુ તેની સાથે સાથે વેક્સિનેશન પણ ઝડપથી થાય તે પણ ખૂબ જરૂરી છે.
શહેર (Surat)માં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરી દેવાયું છે. 7 માસમાં શહેરમાં કુલ 8,51,650 લોકો (Total people)એ વેક્સિનના બંને ડોઝ (both dose) લઈ લીધા છે. એટલે કે, શહેરમાં કુલ વસતીના 14 ટકા લોકો સંપૂર્ણ રીતે વેક્સિનેટ (vaccinate) થયા છે. શહેરમાં છેલ્લા સાત મહિનામાં કુલ 35,35,587 વેક્સિનના ડોઝ મુકાયા છે. જે પૈકી 26,83,937 લોકોને પ્રથમ ડોઝ અને 8,51,650 લોકોને બંને ડોઝ મૂકી દેવાયા છે. શહેરમાં કોરોનાના બંને ડોઝ મૂકવામાં સૌથી આગળ અઠવા ઝોન છે. અઠવા ઝોનમાં કુલ 1,54,987 લોકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા છે. શહેરમાં ચાર ઝોનમાં એક લાખ કરતા વધુ લોકો સંપૂર્ણ વેક્સિનેટ થઈ ચૂક્યા છે. જેમાં વરાછા-એ, કતારગામ, અઠવા અને રાંદેર ઝોનનો સમાવેશ થાય છે.
શહેરમાં છેલ્લા સાત માસથી વેક્સિનેશન ચાલી રહ્યું છે. પરંતુ વેક્સિન લેનાર લોકો કોરોનાથી સંક્રમિત થયા હોય તેની ટકાવારી ખૂબ ઓછી છે. અને તબક્કાવાર વેક્સિનેશન ચાલી રહ્યું છે. શરૂઆતમાં શહેરમાં હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવતી હતી. ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કરો અને સિનિયર સિટિઝન તેમજ કો-મોર્બિડ પેશન્ટ અને 45થી ઉપરના અને હવે 18થી 44 વયજૂથવાળાને વેક્સિન આપવામાં આવી રહી છે.
- વેક્સિનના કુલ ડોઝ : 35,35,587
- પ્રથમ ડોઝ: 26,83,937
- બંને ડોઝ: 8,51,650
- 60 વયના ઉપરના: 4,52,316
- 45થી 60 વયજૂથ: 9,92,010
- 18થી 44 વયજૂથ: 21,26,841
જે લોકો વેક્સિનના બે ડોઝ લઈ લેશે તેઓ ઓછા સંક્રમિત થશે અને સંક્રમિત થશે તો પણ હોસ્પિટલાઈઝેશન કે મૃત્યુનું જોખમ રહેશે નહીં. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વેક્સિનેશન ઝડપી કરાયું છે. પ્રતિદિન હાલમાં 40થી 50 હજાર લોકોને વેક્સિન અપાઈ રહી છે. મનપા દ્વારા હવે પ્રતિદિન વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં હાલમાં સૌથી વધુ બંને ડોઝ લેવામાં અઠવા ઝોન આગળ છે. તેમજ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં કતારગામ ઝોન આગળ છે. કતારગામ ઝોનમાં સૌથી વધુ 4.25 લાખ લોકોએ પ્રથમ ડોઝ મુકાવ્યો છે.
ઝોનવાઈઝ પ્રથમ અને બીજો ડોઝ લેનારાની સંખ્યા
ઝોન | પ્રથમ ડોઝ | બીજો ડોઝ |
સેન્ટ્રલ | 2,49,412 | 93,013 |
વરાછા-એ | 3,77,792 | 1,01,537 |
વરાછા-બી | 3,09,998 | 88,582 |
કતારગામ | 4,25,432 | 1,15,093 |
લિંબાયત | 3,79,759 | 85,716 |
અઠવા | 2,79,538 | 1,54,987 |
ઉધના | 3,77,653 | 96,977 |
રાંદેર | 2,84,353 | 1,15,745 |