ગાંધીનગર: (Gandhinagar) વિધાનસભા ગૃહમાં આજે પસાર થયેલા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ને પરિણામે હવે રાજ્યમાં નવી સાત ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી મળવાની છે તેમ પણ શિક્ષણ મંત્રી (Education Minister) ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું. ચુડાસમાએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં હાલ ધોરણ-૧ર પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી રર.પ ટકા જેટલી છે તેને નવી શિક્ષણ નીતિ મુજબ પ૦ ટકાએ પહોચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે. આ હેતુસર જ્ઞાન-વિજ્ઞાનની આ ર૧મી સદીમાં ગુજરાતને (Gujarat) અદ્યતન અને સમયાનુકુલ શિક્ષણમાં દેશમાં અગ્રેસર રાખવા રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ ઉપરાંત ખાનગી યુનિવર્સિટીઓનું પ્રદાન પણ એટલું જ આવકાર્ય છે.
ગુજરાતના વિદ્યાર્થીઓ સમયથી બે કદમ આગળ ચાલી વિશ્વની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી નેમ સાથે આ સુધારા વિધેયક દ્વારા ૭ જેટલી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં કાર્યરત કરવાની સુગમતા થઇ છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમવાર સંપૂર્ણ મહિલા યુનિવર્સિટીની સ્થાપના આ સુધારા વિધેયકને અનૂમતિ મળતાં થવાની છે. NDT યુનિવર્સિટી-મુંબઇ જ રાજ્યમાં મહિલા યુનિવર્સિટી તરીકે કાર્યરત હતી. હવે, સુરતની વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી રાજ્યની પ્રથમ સંપૂર્ણ મહિલા યુનિવર્સિટી તરીકે કાર્યરત થશે.
ગુજરાતમાં વર્ષ ર૦૦રમાં ૧૧ યુનિવર્સિટીઝ હતી જે વધીને ૪પ ખાનગી યુનિવર્સિટીઓ સાથે અત્યારે ૮૩ યુનિવર્સિટીઓ થઇ ગઇ છે. આ યુનિવર્સિટીઓમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીથી માંડીને રક્ષાશક્તિ, ફોરેન્સીક સાયન્સ અને મરિન યુનિવર્સિટી જેવી સેકટર સ્પેસીફિક યુનિવર્સિટીઓ વિશ્વકક્ષાનું જ્ઞાન ગુજરાતમાં ઘર આંગણે પુરૂં પાડે છે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ના પરિણામે હવે, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી (Vanita Vishram Woman’s University) સુરત (Surat) ઉપરાંત સાર્વજનિક યુનિવર્સિટી સુરત, ડૉ. કિરણ એન્ડ પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટી (કેજીપીયુ) વડોદરા, સુરેન્દ્રનગર યુનિવર્સિટી-સુરેન્દ્રનગર, યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્ટેઇનેબલ ટેકનોલોજી વાલીયા-ભરૂચ, દર્શન યુનિવર્સિટી હડાળા-રાજકોટ તેમજ મોનાર્ક યુનિવર્સિટી દસક્રોઇ- જિ. અમદાવાદ એમ વધુ ૭ નવી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં શરૂ થશે.