SURAT

સુરતની યુનિ.માં પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ મામલે CCTV અને સિન્ડીકેટ સભ્યોના નિવેદન મહત્વના પુરવાર થશે

સુરત: (Surat) નર્મદ યુનિ.ની (University) બહાર કેટલાક અસામાજીક તત્ત્વો વિદ્યાર્થિનીઓની (Students) છેડતી કરીને હેરાન કરી નાંખે, આવા સમયે પોલીસને ફરિયાદ કરવા છતાં કોઇ એક્શન લેવાતી નથી. પરંતુ નવરાત્રીના સમયે પોલીસે યુનિ.ના કેમ્પસમાં આવીને વિદ્યાર્થીઓની સાથે જે બળપ્રયોગ કર્યો છે તેને લઇને એબીવીપીની વિદ્યાર્થિનીઓએ ઉમરા પોલીસને (Police) રજૂઆત કરવાની સાથે દેખાવો પણ કર્યો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં કુલપતિના નિવાસસ્થાનની નજીકમાં આવેલી અને સમાજકલ્યાણ વિભાગ સંચાલિત સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ અસામાજિક તત્ત્વોની હેરાનગતીથી પોલીસમાં ફોન કરવા છતાં કોઇ એક્શન લેવાતા નહી હોવાની રજૂઆતો કરી હતી. યુનિવર્સિટીના કુલપતિ પણ વિદ્યાર્થિનીઓનું હિત જાળવવામાં નિષ્ફળ પુરવાર થઇ રહ્યા હોવાની વિગતો પણ ચર્ચાઇ હતી. સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ઉમરા પોલીસમાં રજૂઆત કરી હતી કે, હોસ્ટેલની આસપાસ અસામાજિક તત્વો હંમેશા વિદ્યાર્થિનીઓની છેડતી કરે છે, વિદ્યાર્થિનીઓનો પીછો કરે છે અને ગંદા ઇશારા કરે છે.

થોડા સમય પહેલા એક વિદ્યાર્થિનીના ગળા ઉપર ચપ્પુ રાખીને એને ધમકાવી હતી. વિદ્યાર્થિની જો પોલીસનો સંપર્ક કરે તો પણ પોલીસ સમયસર આવતી નથી. તેમજ વાંરવારની રજૂઆત બાદ પણ યોગ્ય સુરક્ષા પુરી પાડવામાં આવતી નથી. જ્યારે નવરાત્રીમાં કામગીરી કરનાર પોલીસ કયાં કારણોસર વિદ્યાર્થિનીઓની રક્ષા કરવામાં વામણી પુરવાર થઇ રહી હોવાના આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર બાબતમાં વિદ્યાર્થિનીઓના દેખાવ પાછળ એબીવીપીનો હાથ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતુ. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓએ યુનિ.ના વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ કરનાર પોલીસની સામે પગલા ભરવાની માંગણી કરી હતી.

સીસીટીવી અને સિન્ડીકેટ સભ્યોના નિવેદન મહત્વના પુરવાર થશે
પોલીસ કમિશનર દ્વારા આ સમગ્ર મામલે ઇન્ચાર્જ ડીસીપી બારડોલીયાને તપાસ સોંપવામાં આવી છે. જેમાં ઉમરા પોલીસ નવરાત્રીના સ્થળે પહોંચી ત્યારબાદ વિદ્યાર્થી નેતાઓ સાથે કયાં કારણોસર ઘર્ષણ થયુ તેની વિગતો મેળવશે. જેમાં સેનેટ અને સિન્ડીકેટના સભ્યો તેમજ વિદ્યાર્થી આગેવાનોના નિવેદન મહત્વના બનશે. આ ઉપરાંત સીસીટીવીના ફૂટેજના આધારે ખરી હકીકત પણ સામે આવશે.

વિદ્યાર્થીઓ પર પોલીસ દમન ગુજારી રહી છે: કુલપતિની કમિ. તોમરને રજૂઆત

સુરત : નર્મદ યુનિ.માં પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર દમન કરવાના પ્રકરણમાં આજે યુનિ.ના કુલપતિ દ્વારા પો.કમિ. તોમરની મુલાકાત કરવામાં આવી હતી. કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા હેરાન કરવામાં નહીં આવે તેવી રજૂઆતો પણ કરી હતી. પોલીસ દ્વારા મંજૂરી વિના જ યુનિ. કેમ્પસમાં આવી વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ હોવાની પણ રજૂઆત કરાઈ હતી. કુલપતિની રજૂઆતને પગલે પો.કમિ. તોમરે સમગ્ર પ્રકરણમાં પોલીસની તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

ઉમરા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં યુવાનોની ભૂમિકા વિવાદીત
એબીવીપી દ્વારા પોલીસ સાથે હાથાપાઇ કરવાના ગંભીર આરોપ ઉમરા પોલીસ દ્વારા કરવામા આવ્યા છે. આ મામલે સીસીટીવી ફૂટેજ પણ પો.કમિ. અજય તોમરને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોર છે જેવા નારા લગાવ્યા હોવાના વિડીયો મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં જે ઘટના ઘટી તેના પણ સીસીટીવી ફૂટેજની ઇન્કવાયરી કરવામાં આવી રહી હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top