સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં વરસાદની સીઝન વિદાય લઈ ચુકી છે. જોકે ઉપરવાસના કેટલાક વિસ્તારોમાં પાછોતરો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણી ઠલવાઈ રહ્યું છે. તંત્રએ ઉકાઈ ડેમ પુરેપુરું ભરી નાંખ્યું છે ત્યારે હવે ઉપરવાસમાંથી પાણી આવતા તંત્રએ ઉકાઈડેમમાં પાણી છોડવાનું શરૂ કર્યું છે. હાલ ઉકાઈ ડેમમાંથી 35000 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. જે 70,000 ક્યૂસેક સુધી લઈ જવાશે. ઉકાઈ ડેમની સપાટી હાલ 345.02 ફૂટ છે જેથી હવે તંત્રને ઉપરવાસમાંથી જેટલું પાણી આવે તેટલું છોડી દેવું પડશે તે વાત નક્કી છે.
ઓક્ટોબર મહિનો પૂરે થવાને હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે છેલ્લે છેલ્લે પણ વરસાદ સુરતીઓને હંફાવી રહ્યો છે. આ વરસાદ સુરત અને સુરત જિલ્લામાં પડતો વરસાદ નથી પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ડાર્ક ઝોનમાં પડી રહેલો વરસાદ છે. ઉપરવાસમાં ફરી વરસાદ થતાં ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ત્યારે તંત્રએ તાબડતોબ 35 હજાર ક્યૂસેક પાણી છોડવાનું નક્કી કર્યું છે. પરિસ્થિતિ જોતા આ આઉટફ્લો 70 હજાર ક્યૂસેક સુધી લઈ જવાશે. બીજી તરફ તંત્રએ વરસાદની જતી સીઝનને જોતા ઉકાઈ ડેમ પૂરેપૂરે ભરી દીધો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર છે.
સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાત માટે આશિર્વાદરૂપ મનાતા ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં ચાલુ સિઝનમાં 26 દિવસ ભારે કટોકટ રહ્યા હતા. 26 દિવસમાં 3539 એમસીએમ પાણી દરિયામાં (Sea) છોડી દેવાયું છે. એટલે કે સુરત શહેરને 9 વર્ષ ચાલે તેટલું પાણી દરિયામાં જવા દેવું પડ્યું છે. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઉકાઇ ડેમ ક્યારેક ઘાતક, ક્યારેક ચિંતાજનક તો ક્યારેક આશિર્વાદરૂપ પુરવાર થાય છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી છોડાતા પાણીને કારણે ઘણીવાર જળ પ્રલયનો સામનો કરવો પડયો છે. તેમાંય સને 2006ની પૂર હોનારતના ઘા હજુ પણ રુઝાયા નથી. દર વર્ષે ચોમાસા વખતે ઉકાઇ ડેમને લઇને તંત્ર સાબદું બને છે. આ વર્ષે પણ તંત્રએ ચોમાસા પહેલા પાણીની આવકને પહોંચી વળવા દરવાજાની મરામત સહિતની તમામ તૈયારીઓ કરી દીધી હતી. પરંતુ આ વર્ષે ડેમમાં વરસાદે મોડી એન્ટ્રી મારી હતી.
ગત ચોવીસ જૂનના રોજ ડેમમાં વરસાદના નવા નીર આવ્યા અને સપાટી 313.50 ફુટ હતી. ઉકાઇ ડેમમાં આ વરસે જૂનથી ઓકટોમ્બર દરમિયાન 27 ઇંચ વરસાદ પડયો અને સિઝન દરમિયાન કુલ 11285 એમસીએમ પાણી આવ્યું, તેની સામે 4249 એમસીએમ છોડવું પડ્યું હતું. આ પાણી પૈકી વિતેલા 26 દિવસ દરમિયાન જ સળંગ 3539 એમસીએમ પાણી ડિસ્ચાર્જ કરવું પડ્યું હતું. સુરત શહેરને નવ વરસ ચાલે તેટલું પાણી દરિયામાં છોડી દેવું પડ્યું હતું.