સુરત: (Surat) છેલ્લા કેટલાય દિવસથી સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી (Rain) માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી કરી છે. સુરત અને દક્ષિણ ગુજરાતના માથે વરસાદની વધુ એક સિસ્ટમ સેટ થઇ રહી છે. જે ઝરમર સહિત હળવા વરસાદી ઝાપટાં વરસાવશે. જોકે શનિવારે સુરતમાં વરસાદે વિરામ લીધો હતો. સમગ્ર દિવસ દરમ્યાન તડકો છવાયેલો રહ્યો હતો. આ તરફ ઉપરવાસમાં સતત વરસાદને કારણે ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટીમાં હજી વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમની સપાટી 342.77 ફૂટ પર પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધતા તંત્રએ આઉટફ્લો પણ વધાર્યો છે. બપોરે 12.00 વાગ્યાની સ્થિતિ પ્રમાણે ડેમમાં 90,230 ક્યૂસેક પાણીની આવક (Water Intake) થઈ રહી છે જેની સામે તંત્ર દ્વારા 72,769 ક્યૂસેક પાણી છોડાઈ (Water Discharge) રહ્યું છે.
સુરત શહેર અને જિલ્લામાં વરસાદે છેલ્લા સ્પેલમાં તરખાટ મચાવી દીધો છે. ચોમાસાના પ્રારંભિક બે મહિનામાં વત્તા ઓછા અંશે વરસાદ ખાબકયા બાદ છેલ્લે છેલ્લે વરસાદે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને તરબોળ કરી દીધું છે. સુરત જિલ્લા ફલડ કન્ટ્રોલરૂમના જણાવ્યાનુસાર છેલ્લા બે દિવસમાં વરસાદે જે ધમધમાટી બોલાવી છે તેને પગલે ખાડીઓના લેવલ ઉંચા આવી ગયા છે. કોઝવે છલકાઈ રહ્યો છે અને રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું છે.
શુક્રવાર સાંજ સુધીમાં પડેલા વરસાદની આંકડાવાર સ્થિતિ જોઇએ તો બારડોલીમાં 59 એમએમ, કામરેજમાં 13 એમએમ, મહુવામાં 6 એમએમ, ઓલપાડમાં 53 એમએમ અને પલસાણામાં અધધ..119 એમએમ સહિત સુરત સીટીમાં 76 એમએમ વરસાદ ખાબકયો છે. હવામાન વિભાગે આગાહી આપી છે કે હજી આવતાં અઠવાડિયે પણ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતભરમાં વરસાદી માહોલ બની રહેશે. સુરત અને દક્ષિણ ગુજરાતના માથે વરસાદની વધુ એક સિસ્ટમ સેટ થઇ રહી છે. જે ઝરમર સહિત હળવા વરસાદી ઝાપટાં વરસાવશે.
- UKAI DAM Dt.25/09/2021 12:00 PM
- Dam Level – 342.77ft
- Inflow – 90230cusec
- Outflow – 72769 cusec
- Danger level- 345.00 ft
આ પહેલા શુક્રવારે સાંજ સુધી ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું હતું. ઉપરવાસમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. જેના પગલે ઉકાઇ ડેમમાં શુક્રવારે હાઇએસ્ટ ઇનફ્લો 51 હજાર હતો જે સાંજે ઘટીને સીઘો 34 હજાર થઇ ગયો હતો. જોકે શનિવારે ઉકાઈમાં ફરી પાણીની આવક વધી ગઈ હતી. હાલમાં ઉકાઇડેમની જળ સપાટી 342.77 ફૂટ પર છે. જયારે હથનૂરથી સપાટી હાલ 213.04 મીટરે છે.