સુરત: (Surat) ઉપરવાસમાં પાણીની સારી આવક થતાં ઉકાઈ ડેમમાં (Ukai Dam) સતત પાણી ઠલવાઈ રહ્યું છે. જેને પગલે ઉકાઈ ડેમની સપાટી ડેંજર લેવલથી ફક્ત 5 ફૂટ દૂર રહી ગઈ છે. શનિવારે સાંજે 6 કલાકે ઉકાઈ ડેમની સપાટી 340.55 ફૂટ પર પહોંચી છે. હાલ ઉકાઈ ડેમમાં ઇનફ્લો 92,557 ક્યૂસેક છે જ્યારે આઉટ ફ્લો 22,712 છે. દણાવી દઈએ કે ઉકાઈ ડેમનો એલર્ટ લેવલ 336.40 ફૂટ છે જે તે વટાવી ચુક્યું છે. રૂલ લેવલ 340 ફૂટ જ્યારે ડેંજર લેવલ 345 ફૂટ છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે શરૂઆતથી પાણીના આવકની તંગી જોવા મળી હતી. ચાલુ વર્ષે ડેમની સપાટી સારી હોવાથી પાણીનું આ વર્ષે તો સંકટ નહોતું. પરંતુ જો ડેમ નહીં ભરાત તો આવતા વર્ષે પાણીની મોટી તંગી ઊભી થઈ હોત. પરંતુ ઉકાઈ ડેમ છેલ્લે છેલ્લે તેના રૂલ લેવલને પાર કરી ગયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરમાં સિઝનની સૌથી વધારે પાણીની આવક થઇ છે. જેને પગલે ડેમની સપાટી રૂલ લેવલની કટોકટ પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફુટ છે. રૂલ લેવલને જાળવી રાખવા ડેમના સત્તાધીશોએ કોઈ મોટી આફત નહીં આવે તે માટે બપોરે 22 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. ડેમમાં પાણીની આવક 92,557 ક્યુસેક નોંધાઈ હતી. જેને પગલે ડેમમાંથી સતત 22 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.
કોઝવે બંધ કરાયો
સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝ-વે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી ક્રમશ: 22 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે અને વિયરકમ કોઝ-વેની સપાટી 6 મીટરને પાર કરી ગઈ છે. કોઝ-વેની સપાટી 6 મીટરને પાર થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.