સુરતઃ (Surat) સપ્ટેમ્બર આવતા જ સુરતીઓ ચિંતામાં પડે છે અને તેનું કારણ છે ઉકાઈ ડેમની જળ સપાટી. ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) છોડાતું પાણી દર વર્ષે સુરતીઓના જીવ અદ્ધર કરી દે છે. આવી જ સ્થિતિ રવિવારે ફરી સુરતવાસીઓની સામે આવી છે. ઉકાઈ ડેમ હાલ તેના ડેંજર લેવલની નજીક પહોંચી ગયું છે. તંત્ર દ્વારા સતત ઉકાઈ ડેમમાં આવતા પાણીની (Water) આવક અને જાવક પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં તબક્કાવાર પાણી છોડવાનું શરૂ કરાયું છે. જેને પગલે તાપી નદી ફરી બે કાંઠે થશે. ઉકાઈ ડેમ તંત્ર તરફથી મળેલા રવિવારે બપોરે 3 વાગ્યાના આંકડા પ્રમાણે 4,73,405 ક્યૂસેક પાણીની આવક સામે હાલ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 2,46,408 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બપોરે 3 વાગ્યાની સ્થિતિ પ્રમાણે ડેમ 341.89 ફૂટ ભરાયો છે જ્યારે ડેમનું રૂલ લેવલ 345 ફૂટ છે. જ્યારે રાત્રે 8 વાગ્યાના આંકડા પ્રમાણે 4,93,104 ક્યૂસેકની સામે 2,48,548 ક્યૂસેક પાણી તાપીમાં છોડાઈ રહ્યું છે. રાત્રે 8 કલાકે ડેમની સપાટી 342.58 નોંધાઈ હતી.
તાપી નદી પરના ઊકાઇ ડેમ માંથી આજે એટલેકે 17 સપ્ટેમ્બરના રોજ સવારના 12 ક્લાકથી ઉપરવાસમાં વરસાદની પરિસ્થિતી ધ્યાને લઇ તબક્કાવાર પાણી છોડવનું શરૂ કરાયું છે. ઉકાઈના 15 ગેટ 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ વહીવટી તંત્ર માટે ચિંતાજનક સ્થિતિ એટલા માટે છે કારણકે ઉપરવારમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેને કારણે કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ સાંજ સુધીમાં તાપી બે કાંઠે થતાં સુરતીઓની ચિંતામાં પણ વધારો થયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં હજી ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની આગાહીને કારણે ડેમમાં એક સાથ પાણીનો જથ્થો આવે તો તેની ઉપર તંત્ર ચોક્કસ નજર રાખી રહ્યું છે.
આ ગામોને એલર્ટ કરાયા
બલાલતીર્થ,કાકરાપાર,વરેઠ, નાનીચેર, મોટીચેર, રતનીયા, તરસાડાબાર, માંડવી, વાધનેરા, ઉશ્કેરખુર્દ, પુના, કાકડવા, ખેડપુર, વરજાખણ, જાખલા, કોસાડી, ઉન, ઉમરસાડી, કમલાપોર, પાટણા, વરેલી, બૌધાનને માંડવી મામલતદાર દ્વારા સાવચેતીના પગલાઓ લેવા માટે તલાટી સરપંચોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે માંડવીના કોસાડી કોઝવેને બંધ કરવામાં આવેલ છે. તથા તકેદારીના ભાગ રૂપે ડેમના હેઠવાસમાં નદી કિનારે આવેલ માંડવી તાલુકાનાં ગામનાં નાગરિકોને નદીમાંથી અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર, નદી-પટમાં ન લઈ જવા તાકીદ કરાઈ છે.