Dakshin Gujarat

પારડીના સુખેશ અને સોંઢલવાડા ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

પારડી: (Pardi) પારડી તાલુકાના બે ગામોમાં આવેલા મંદિરોમાં (Temple) એક જ રાત્રીના દાનપેટીમાંથી તસ્કરો રૂપિયા લઈને ફરાર થતા ચોરીની (Theft) ઘટનાને લઇ ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. પારડી તાલુકાના સુખેશ ગામે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિરમાં ગતરાત્રિના અજાણ્યા તસ્કરો દાન પેટીનું તાળું કોઈક સાધન વડે તોડી રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.

  • પારડીના સુખેશ અને સોંઢલવાડા ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
  • એક જ રાત્રે બે મંદિરોની દાનપેટીમાંથી તસ્કરો રૂપિયા ચોરી જતા ગ્રામજનોમાં રોષ ફેલાયો

આ ચોરીની ઘટના અહીં બીજી વાર બની હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ષમાં દાનપેટી એકવાર જ ખોલવામાં આવે છે. જેમાં અંદાજે 20 હાજર જેટલી રકમ હોવાનું તેઓએ જણાવ્યું હતું. અને તસ્કરો ભગવાનના મંદિરમાં પણ દાનપેટીમાંથી રૂપિયા ચોરી જતા પોલીસ આવા તત્વોને પકડી પાઠ ભણાવે તેવી માંગ કરી હતી. આ સાથે સુખેશ ગામની બાજુમાં આવેલા સોંઢલવાડા ગામે રામેશ્વર મહાદેવ મંદિરમાં પણ તસ્કરો દાન પેટીનું તાળું તોડી ચોરી કરી ભાગી છૂટ્યા હતા.

મંદિરમાં પૂજા પાઠ કરતા હેમાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજરોજ નિત્યક્રમ મુજબ હું સવારે છ વાગ્યે આવીને જોતા મંદિરનું તાળુ તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. અહીં ત્રણ દાન પેટી મુકેલી હતી. અજાણ્યા ચોરી ઈસમો રાત્રિના આવીને દાનપેટીમાંથી રૂપિયા લઈને ફરાર થઈ જતા ગ્રામજનોને જાણ કરી હતી. જે બાદ 100 નંબર પર પોલીસને જાણકારી આપી હતી ગ્રામજનોએ આ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

સલૂનનો સંચાલક પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયો અને નોકર કળા કરી ગયો
ખેરગામ : ખેરગામના દશેરા ટેકરી વિસ્તારમાં સલૂનની દુકાનમાંથી કારીગર 1.70 લાખની ચોરી કરી પરિવાર સાથે ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ખેરગામની દશેરા ટેકરી ખાતે રહેતા નરેશ ભાણા સોલંકી (ઉં.વ.૬૧) બાલાજી કોમ્પ્લેક્સમાં ઓકે હેર આર્ટ નામની દુકાન ધરાવે છે. ઉપરાંત ટેમ્પોમાં વેપારીઓને માલ સામાન પહોંચાડી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ત્યાં બે કારીગર કામ કરે છે. જેમાં એક કારીગર પ્રદીપ યાજ્ઞિક એક માસથી યુપી ગયો હોવાથી પંકજ સુરેન્દ્ર યાજ્ઞિક (રહે., ખેરગામ મિશન ફળિયા) નરેશભાઈ સાથે દુકાન સંભાળે છે. ગત તા. 7 સપ્ટેમ્બરે નરેશભાઈએ સવારે સાત વાગ્યે દુકાન ખોલી હતી અને આઠ વાગ્યે કારીગર કામ પર આવ્યો હતો.

એ દિવસે આગળના દિવસની ડિલિવરીના ઉઘરાણીના વેપારીઓના રૂ.1.70 લાખ નરેશભાઇએ દુકાનના કાઉન્ટરના ગલ્લામાં મૂક્યા હતા અને ગલ્લાને લોક કરી દીધું હતું. બાદ બપોરે 2 વાગ્યાના સમયે દશેરા ટેકરી ખાતે દુકાન ધરાવતા મેહુલભાઈ ભાનુશાલીના બહેનને ત્યાં પરિવાર સાથે ઉમરગામ ખાતે લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી કારીગર પંકજને જાણ કરી હતી. બાદ પરત આવ્યા ત્યારે ગલ્લામાંથી 1.70 લાખ રૂપિયા ગાયબ હતા અને કારીગર પંકજ પણ સ્થળ પર હાજર નહીં જણાતાં ચોરી થયાની શંકા ગઈ હતી. પંકજ જે જગ્યાએ ભાડેથી રહેતો હતો એ જગ્યાએ તપાસ કરતાં પરિવાર સાથે ગાયબ થઈ ગયો હોવાનું જાણવા મળતાં નરેશભાઈએ પંકજ યાજ્ઞિક સામે રૂ.1.70 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

ખેરગામના ભૈરવી ગામે ચોરીનો પ્રયાસ
ખેરગામ તાલુકાના ભૈરવી ગામે આવેલા તાડ ફળિયામાં ડો. દિવ્યાંગ પટેલ રહે છે. ગત 14 સપ્ટેમ્બરે આશરે નવ વાગ્યાના અરસામાં ત્રણ અજાણ્યા વ્યક્તિએ તેમના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ ઘરમાં હાજર જીવલીબેન કરશનભાઈ પટેલે દરવાજો ખોલ્યો ન હતો. આથી ધાકધમકી આપી હતી. એ જ દિવસે ૩૦ મિનિટ બાદ ફરી દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો. આ બાબતે ડો.દિવ્યાંગ પટેલે ખેરગામ પોલીસ મથકમાં અરજી આપી હતી.

Most Popular

To Top