SURAT

‘તમે મને ઓળખતા નથી, તમારી વરદી ઉતારી નાંખીશ’ કહી મહિલાએ TRB જવાનને ધમકી આપી

સુરત : ઉધનામાં (Udhana) રોંગસાઇડે (Wrong Side) આવેલા સાતથી આઠ યુવકોએ ટીઆરબી (TRB) જવાનને લાકડાનો ફટકો મારી દેતા ટીઆરબી જવાનને નાકના ભાગેથી લોહી નીકળી ગયું હતું, આ યુવકને છોડાવવા માટે આવેલી મહિલાએ ટીઆરબીને કહ્યું કે, તમે અમને ઓળખતા નથી, તમારી વરદી ઉતારી નાંખીશ’. પોલીસે આ મહિલા સહિત સાત લોકોની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.

  • ઉધના ત્રણ રસ્તા પાસે રોંગસાઇડે આવેલા યુવકોએ ટીઆરબીને માથામાં લાકડાનો ફટકો મારી દીધો
  • પોલીસે મહિલા સહિત સાત લોકોની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ડિંડોલીમાં નવાગામ શિવાજી પાર્કમાં રહેતા ૩૮ વર્ષીય દિનેશભાઇ સજનભાઇ ભામરે મૂળ મહારાષ્ટ્રના વતની છે અને સુરત શહેરમાં પોલીસ ખાતામાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવે છે. રવિવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં લઘુશંકા કરવા માટે નજીકમાં આવેલા પેટ્રોલપંપ ઉપર ગયા હતા, ત્યાંથી તેઓ પરત જતા હતા ત્યારે તેઓની પાછળ ત્રણ-ચાર બાઇક ઉપર સાતથી આઠ યુવકો રોંગસાઇડે આવ્યા હતા, તેઓને ટીઆરબી દિનેશભાઇએ અટકાવતા એક યુવકે આવીને દિનેશભાઇને તમાચો મારી દીધો હતો. દિનેશભાઇએ કહ્યું કે, તે મને કેમ માર્યો..? ત્યારે બીજા યુવકો પણ આવીને દિનેશભાઇની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.

દરમિયાન એક યુવકે બાઇકમાંથી લાકડાનો ફટકો કાઢીને દિનેશભાઇને માથાના પાછળના ભાગે મારી દેતા દિનેશભાઇને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ દરમિયાન ત્યાં ટીઆરબીના અન્ય જવાનો આવી જતાં હુમલાખોરો ભાગી ગયા હતા અને રાહુલ તેમજ રોશન રાઠોડ નામના બે યુવકો પકડાઇ ગયા હતા. આ દરમિયાન ત્યાં બે મહિલાઓ આવી ગઇ હતી અને તેઓ પોલીસને કહેવા લાગ્યા કે, ‘તમે અમારા બંને છોકરાઓને કેમ પકડ્યા છે, તમે અમને ઓળખતા નથી, અમારી પોલીસમાં બહુ ઓળખાણ છે, તમારી વરદી ઉતારી નાંખીશ’ કહીને ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ દરમિયાન જ ત્યાં પીસીઆર વાન પણ આવી ગઇ હતી અને પોલીસે આ મહિલા સહિત સાત લોકોની અટકાયત કરી ઉધના પોલીસે લઇ ગયા હતા. પોલીસે તમામની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

રાંદેરના બંધ મકાનમાંથી ધોળા દિવસે 41 હજારની ચોરી
સુરત : પાલનપુર પાટિયા ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી તસ્કરો કબાટમાંથી રોકડ અને દાગીના સહિત 41 હજારની ચોરી કરી ગયા હતા. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર પાટીયા ખાતે મંગલમુર્તિ ઍપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય કોમલેબન બીતેષભાઈ ઉધના દરવાજા માર્કેટ મીડીયામાં નોકરી કરે છે. કોમલબેનના પિતા અડાજણમાં સિક્યુરીટી ઇન્ચાર્જ અને માતા બેબી શીટર તરીકે નોકરી કરે છે. ગત 30 મીના સવારે ત્રણેય જણા નોકરી પર ગયા હતા. ત્યારે ધોળા દિવસે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનમાં ત્રાટકી દરવાજાને મારેલું તાળુ કોઈ સાધનથી તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ મળી 41 હજારના મતાની ચોરી કરી નાસી ગયા હતા.

Most Popular

To Top