SURAT

ઉધનામાં ધાબા પરથી યુવતીએ મોતની છલાંગ મારી: લોકોએ વીડિયો બનાવ્યો પણ બચાવવાનો પ્રયાસ ન કર્યો

સુરત: સુરત ઉધનામાં (Udhana) એક યુવતીએ એપાર્ટમેન્ટના 10માં માળે ધાબા પરથી મોતની છલાંગ મારી આપઘાત (Suicide) કરી લીધો હોવાની ઘટના બની છે. યુવતી લાંબા સમય સુધી એપાર્ટમેન્ટની પાળી પર બેઠી રહી હોવા છતાં લોકો બચાવવાની જગ્યાએ વીડિયો (Video) બનાવવામાં વ્યસ્ત રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ટોળા માંથી એકે બૂમાબૂમ કરી દેતા યુવતી કુદી પડી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. લગભગ 100 ફૂટની ઉચાઈએથી પટકાયા બાદ યુવતીનું સ્થળ પર જ મોત (Death) નીપજ્યું હતું.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘટના ઉધના વિસ્તારની છે. એક યુવતીએ દસમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઉધના હરિનગર રોડ પર આવેલ શુભ-રેસિડેન્સીમાં સમગ્ર ઘટના સર્જાઈ હતી. મોતની સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર એક બોલે છે કે, અડધો કલાકથી યુવતી આ રીતે ધાબા પરની પારી પર બેઠી હતી. વીડિયોમાં જ અવાજ આવે છે તે પ્રમાણે વીડિયો ઉતારનાર બૂમ મારે છે ત્યારે જ યુવતી નીચે કુદી પડી હતી.

વધુમાં જણાવ્યું હતું કે લોકો વીડિયો બનાવવામાં વ્યસ્ત રહ્યા પણ યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો નહિ એ દુઃખની વાત છે. યુવતીના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ રહ્યું છે. ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. યુવતીના મોતના પગલે પરિવારે હૈયાફાટ રુદન કરતાં જોવા મળ્યાં હતાં. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top