સુરત: સુરત (Surat) શહેરમાં ફરી એક વખત શ્વાનનો (Dogs) આતંક દેખાયો છે. સુરતના ખજોદ (Khajod) વિસ્તારમાં બે વર્ષની બાળકી ઉપર ત્રણ જેટલા શ્વાનોએ હુમલો (Attack) કર્યો હતો. બાળકીની હાલત ગંભીર બનતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે 2 વર્ષની બાળકીને 40 જેટલા બચકા ભર્યા હતા. હાલમાં બાળકીની સારવાર ચાલી રહી છે.
ત્રણ શ્વાનોએ બે વર્ષની બાળકીને પીંખી નાખી
મળતી માહિતી અનુસાર રવિવારે સુરતના ખજોદ વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી પર શ્વાનોએ હુમલો કર્યો હતો. બાળકીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ખજોદ નજીક ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી આ પરિવાર પણ રહેતો હતો. દોઢ-બે વર્ષની બાળકી તેના ઘર પાસે એકલી હતી. ત્યારે રસ્તા પર ફરતા ત્રણ જેટલા કૂતરાએ અચાનક જ બાળકી પર હુમવો કરી દીધો હતો. ત્રણ શ્વાનોએ બાળકીને 40 કરતા વધુ બચકાં ભરી લેતા માસુમની હાલત ગંભીર થઈ ગઈ હતી.
લોહી લુહાણ હાલતમાં માતા બાળકીને લઈને હોસ્પિટલ પહોંચી
બાળકીનો રડવાનો અવાજ આવતા તાત્કાલિક આસપાસના લોકો તેને બચાવવા દોડી આવી હતા. બાળકીની માતા તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ દોડી ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર તેમજ ચૌહાણે જાણાવ્યું હતું કે ખજોદ વિસ્તારમાંથી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ઈમર્જન્સી વિભાગમાં સારવાર કરવામાં આવી રહી છે. બાળકીની માતા તેને હોસ્પિટલ લઈને પહોંચી હતી.
40થી વધુ ગંભીર ઈજાઓ પહોંચતા બાળકીને સર્જરી વિભાગમાં દાખલ કરાઈ
ડોક્ટરે જણાવ્યું કે કૂતરાઓએ બાળકીને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડી છે. બાળકીની શરીર ઉપર 30થી 40 જેટલા ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને માથાના ભાગે છાતીના ભાગે અને કમરના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. હાલમાં ઈમર્જન્સી વોર્ડમાં બાળકીને કૂતરા કરડવાના ઇન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી છે.
સુરત શહેરમાં કૂતરાઓ દ્વારા કરડવાની ઘટના ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે. આ અગાઉ 15 દિવસ પહેલાં પણ સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા ઈંટવાળા ફળિયામાં શ્વાનનો આતંક જોવા મળ્યો હતો. જ્યારે બાળકી ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ શ્વાને તેના ઉપર હુમલો કરી દીધો હતો અને તેને ગંભીર રીતે કરડી લીધી હતી. આસપાસના લોકો એકત્રિત થઈ જતા માસૂમને છોડાવી હતી.