સુરત, ડીંડોલી: ૨૬ ફેબ્રુઆરીના રોજ મહાલક્ષ્મી જવેલર્સમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે લૂંટની આ ઘટના પાછળનું માસ્ટર માઈન્ડ ખુદ દુકાનનો માલિક પોતે જ હતો.
૨૬ ફેબ્રુઆરીના રોજ સુરતના ડીંડોલી-ખરવાસા રોડ સ્થિત શ્રીનાથ રેસીડેન્સી ખાતે આવેલ મહાલક્ષ્મી જવેલર્સમાં એક બુકાનીધારી યુવક લૂંટનાં ઈરાદે ઘુસી ગયો હતો. મેનેજરને ડરાવી-ધમકાવીને આ લુંટારાએ ચાંદીની 22 મૂર્તિઓ સહિતના આશરે સાડા પાંચ લાખની કિંમતના માલસામાનની ચોરી કરી હતી. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ ડીંડોલી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમે 70 થી 80 જેટલા સીસીટીવી ચેક કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખબરીઓના નેટવર્કને આધારે પોલીસને પાકી માહિતી મળી કે લુંન્તારો બીજો કોઈ નહિ પણ દુકાન માલિકનો ડ્રાઈવર જીતેન્દ્ર ઉર્ફે કિશોર ડાંગી છે, જે લૂંટને અંજામ આપીને રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક રતનપુર પાસેથી એને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં ડ્રાઈવરે કબુલાત કરી હતી કે દુકાન માલિક નારાયણ પાલીવાલે જ એને રૂપિયાની તેમજ ગામમાં મકાન બંધાવી આપવાની લાલચ આપીને પોતાની જ દુકાનમાં લૂંટ કરવા તૈયાર કર્યો હતો. હકીકતે જેની લૂંટ થયાની ફરિયાદ નારાયણ પાલીવાલે કરેલી, એ ઘરેણા પણ નકલી હતા! નારાયણ પાલીવાલ પોતે દેવામાં ખુંપી ગયો હતો. એમાંથી બહાર આવવા માટે એણે પોતાના ડ્રાઈવર સાથે મળીને લૂંટનું નાટક રચ્યું હતું.
પોલીસે ડ્રાઈવર જીતેન્દ્રની ધરપકડ કરી છે, જ્યારે નારાયણ પાલીવાલ ફરાર થઈ ગયો છે.