SURAT

સોનગઢના જંગલમાં ખોવાઈ ગયેલા માંડવીના યુવાને જંગલી પ્રાણીથી બચવા આખી રાત ઝાડ પર વિતાવી

સુરત: સોનગઢના (Songadh) મેઢા ગામે ધોધ જોવા માટે આવેલા સુરતના (Surat) માંડવીના ચાર યુવકો પૈકીનો એક યુવક મિત્રોથી છૂટો પડી જતાં ઊંડાણનાં જંગલમાં ગુમ થઈ ગયો હતો. મોડી રાત્રે ૧:૩૦ વાગ્યા સુધી તેની જંગલ ખાતાના કર્મચારીઓ અને મેઢા ગામના સરપંચના પતિ પ્રિતેશભાઈ તથા તાલુકા પંચાયત સભ્ય તેમજ આમલીપાડા, મેઢા, હિંદલા, એકવા-ગોલણ, ઓઝરગામના યુવાનોએ શોધખોળ આદરી હતી. પરંતુ મોડી રાત સુધી ન મળતા અંતે આ ઘટના અંગેની પોલીસને (Police) જાણ કરવામાં આવી હતી. બપોરે વન વિભાગે જુદી-જુદી ટીમો બનાવી આ યુવકને શોધવા વન વિભાગના કર્મચારીઓને કામે લગાડ્યા હતા. સોનગઢ પોલીસ, ગામના યુવકો સાથે રહી સર્ચ ઓપરેશન પાર પાડતાં બીજા દિવસે યુવકને શોધી જંગલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં વન વિભાગ સફળ રહ્યો હતો. જંગલી પ્રાણીઓથી બચવા આ યુવાન આખી રાત ઝાડ પર ચઢી બેસી રહ્યો હતો. આ યુવાન જંગલમાં ધોધથી આશરે ૮ કિ.મી. અંદર ઘૂસી ગયો હતો.

વન વિભાગના જણાવ્યા મુજબ સુરત જિલ્લાના માંડવીના જૂનવાણનો અજય હરસિંગ ચૌધરી પોતાના મિત્રો મદન રાજુ ચૌધરી , મેહુલ ભગુ ચૌધરી, હિમાંશુ મારવાડી ચૌધરી સાથે તા.૩૧/૦૮/૨૦૨૨ના રોજ સાંજના ૫ વાગ્યાના અરસામાં ખાનગી કારમાં મેઢા ગામનો ધોધ જોવા ગયા હતા. કાર મેઢા ગામે મૂકી દીધી હતી. ત્યાંથી સાદલવેળ રેંજમાં આવેલ આ મેઢા ધોધ જોવા પગપાળા ગયા હતા. થોડાક સમય બાદ અંધારું થતાં બાકીના ત્રણ મિત્રો સાંજે ૭ વાગે સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યા હતા. પણ આ યુવકો પૈકીનો અજય ચૌધરી રાત્રિના અરસામાં ખોવાઈ જતાં તેના બીજા મિત્રો ગભરાઈ ગયા હતા. આ ઘટનાની સ્થાનિક ગામના યુવાનોને જાણ કરી હતી. છતાં કોઇ પત્તો ન મળતાં વન વિભાગના કર્મચારીઓને આ ઘટનાથી વાકેફ કરાઇ હતી. મોડી રાત સુધી તેઓએ જંગલને ખૂંદી કાઢ્યું હતું. પણ અંધારું થઈ જતાં આ ગુમ થયેલો યુવક મળી આવ્યો ન હતો. બીજા દિવસે ફરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં વન વિભાગને બપોરે આ યુવાનને શોધી કાઢવામાં સફળતા મળી હતી. ગુમ થયેલો યુવાન મેઢા તરફ બહાર નીકળવાને બદલે રસ્તો ભૂલી એકવા બીટના જંગલ તરફ જતો રહ્યો હતો.

પ્રવાસીઓને વનવિભાગની સૂચનાનું પાલન કરવા અપીલ
સોનગઢ તાલુકામાં આવેલા મેઢા ધોધનું કુદરતી સૌંદર્ય નિહાળવા માટે આવતા પ્રવાસીઓએ વન વિભાગની પરવાની વગર અહીં ન જવા સૂચન કર્યુ છે. કારણ કે, ધોધ ગાઢ જંગલોમાં આવેલો હોવાથી હિંસક પ્રાણીઓના હુમલા સાથે અન્ય કોઈ દુર્ઘટનાઓ પણ સર્જાઈ શકે છે. માટે પ્રવાસીઓને વનવિભાગની સૂચનાનું પાલન કરવા સાદડવેલ રેંજના આર.એફ.ઓ. સી.કે.અજારાએ અપીલ કરી છે.

Most Popular

To Top