સુરત: (Surat) ઇન્ડિયન રેલવે બોર્ડના ચેરમેને આજે સુરત રેલવે સ્ટેશનની (Railway Station) ઉડતી મુલાકાત લીધી હતી. તેમણે સુરત એરિયામાં ચાલતા વિવિધ રેલવે પ્રોજેક્ટોનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે એમએમટીએચનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે રેલવેના અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે અંત્રોલી ખાતે સુરત બુલેટ ટ્રેન (Train) હાઈ સ્પીડ રેલ્વે સ્ટેશન અને હાઈ સ્પીડ રેલ કોરિડોરનું પણ નિરીક્ષણ કર્યું હતું. બુલેટ ટ્રેનની કામગીરી નિહાળીને તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ચેરમેન સુરત આવતા હોવાથી સુરત રેલવે સ્ટેશન ચોખ્ખુચણાંક કરી દેવાયું હતું પરંતુ પ્રવાસીઓની ભીડ જોઈને ચેરમેન ચોંકી ગયા હતા. આટલી ભીડ પ્રવાસીઓની જોઈને ચેરમેને ટ્રેનોની વિગત માંગી હતી.
- સુરત સ્ટેશન પર ભીડ જોઇને રેલવે બોર્ડના ચેરમેન ચોંકી ગયા
- એમએમટીએચની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનિલ કુમાર લાહોટીએ સૂચના આપી
- એક દિવસ માટે સુરત રેલવે સ્ટેશન એરપોર્ટ જેવું ચોખ્ખુચણાંક બની ગયું
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર આજ રોજ સવારે 9 વાગે ઇન્ડિયન રેલવે બોર્ડના ચેરમેન અનિલ કુમાર લાહોટી સુરત આવી પહોંચ્યા હતા. તેમણે સાંજે 5 વાગ્યા સુધી સુરતમાં રેલવેના વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લીધી હતી. તેમની સાથે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક મિશ્રા સહિતના ઉચ્ચે અધિકારીઓ હતા. તેઓએ સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન સુરતના અંત્રોલી ખાતે સુરત બુલેટ ટ્રેન હાઈ સ્પીડ રેલ્વે સ્ટેશન અને હાઈ સ્પીડ રેલ કોરીડોરનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમાં તેમને તેમણે બુલેટ ટ્રેનના નિર્માણમાં શરૂ કરવામાં આવી રહેલા ગર્ડર માટેના યાર્ડની મુલાકાત લીધી હતી. અહીં ટ્રેક કેવી રીતે નાખવામાં આવશે તેની માહિતી ચેરમેનને આપવામાં આવી હતી.તેમણે બુલેટ ટ્રેનની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. બપોરે 2 વાગ્યાની આસપાસ નવસારીથી આગળ પૂર્ણા નદી પર ગયા બની રહેલા હાઈ સ્પીડ રેલ બ્રિજની માહિતી મેળવી હતી.
બોર્ડના ચેરમેન લાહોટીએ બપોર બાદ સુરત રેલવે સ્ટેશન પર 877 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા એમએમટીએચ પ્રોજેક્ટનું પ્રેઝેન્ટેશન જોયું હતું. સુરત સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ શરૂ થઈ ગયું છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે.લાહોટીએ એમએમટીએચનું કામ ઝડપી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. એમએમટીએચનું કામ નિહાળ્યા બાદ લાહોટી સાંજે કર્ણાવતી એક્સપ્રેસ દ્વારા અમદાવાદ જવા રવાના થયા હતા.