સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશનથી (Railway Station) પસાર થતી છ જેટલી દુરંતો ટ્રેનના સ્ટોપેજ માટે સુરતના વારંવાર રજુઆત કરવાં છતાં કોઇ પણ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. તાજેતરમાં અમદાવાદ-પુણે વચ્ચે દોડનારી દુરંતો ટ્રેનનું (Train) પણ સુરતને સ્ટોપેજ આપવામાં આવ્યું ન હતું. આ મામલે વ્યાપક વિરોધ પછી રેલવેના અધિકારીઓએ મુંબઇ-ઇન્દોર વચ્ચે દોડતી દુરંતો ટ્રેનનું સ્ટોપેજ સુરતને આપ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રેલવે બોર્ડ દ્વારા સુરત સ્ટેશન પર વિકાસના નામે શહેરીજનો સાથે વારંવાર અન્યાય કરવામાં આવી રહ્યો છે. સુરતથી પસાર થતી છ જેટલી દુરંતો ટ્રેનના પણ સુરતમાં સ્ટોપેજ આપવામાં આવ્યું ન હતું. જેના કારણે જે તે સમયથી જ ઝેડઆરયુસીસી મેમ્બરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન રવિવારે સુરતને રેલવે દ્વારા થતાં અન્યાય અને સુરત દ્વારા રેલવેને થતી આવક અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને મુંબઇ-ઇન્દોર વચ્ચે દોડતી દુરંતો ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે ગુજરાતમિત્ર દ્વારા બે દિવસ પહેલા સુરતમાં સ્ટોપેજ નહીં આપવા બાબતે મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ રેલવે તંત્ર દ્વારા સુરતને સ્ટોપેજ આપવાનો નિર્ણય કરાયો છે.