સુરત : શહેરીજનોને ટ્રાફિક નિયમન કરાવવા માટે આઇ ફોલો કેમ્પેઇન (I follow campaign) શરૂ કરાયું હતું, આ માટે સુરત ટ્રાફિક પોલીસ (Surat Traffic Police) દ્વારા હાથના બેલ્ટ, સ્ટીકર અને હોર્ડિંગ્સનને લઇને લાખો રૂપિયાનું કૌભાંડ (Scam) કરવામાં આવ્યું હોવાના આક્ષેપ (Allegation) થયા છે. આ બાબતે રાજ્ય ગૃહમંત્રીને (Minister of State for Home Affairs) ફરિયાદ કરવામાં આવી હોવાની વિગતો પણ મળી છે.
- સુરત પોલીસના ટ્રાફિક વિભાગના ‘આઈ ફોલો કેમ્પેઈન’માં લાખોની કટકી કરાયાનો આક્ષેપ
- કેમ્પેઈન માટે 40 હોર્ડિંગ લગાડાયા પરંતુ એકનો પણ પોલીસ પાસે ફોટો નથી
- કેમ્પેઈનની કામગીરી માટે ટેન્ડરો મંગાવાયા નહીં પરંતુ માનીતા 3 પાસે ક્વોટેશન મંગાવીને કામ સોંપી દેવાયું
- કૌભાંડ કરાયું હોવાની ફરિયાદ રાજ્યના ગૃહમંત્રીને પણ કરવામાં આવી
આરટીઆઇ એક્ટીવિસ્ટ (RTI activist) સંજય ઇઝાવાએ માહિતી આપતા કહ્યું હતું કે, લોકડાઉન (Lockdown) દરમિયાન ટોઈંગ ક્રેન એજન્સીને લાખોના પેમેન્ટ આપવાનો વિવાદ હજુ પૂરો થયો નથી તો હવે આઇ ફોલો કેમ્પેઇનનો વિવાદ શરૂ થયો છે. આ કેમ્પેઇનમાં ટ્રાફિક પોલીસ દ્વારા લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ નિયમ મુજબ ટેન્ડર બહાર પાડવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી. પોતાના માનીતા માણસ પાસેથી અલગ અલગ ૩ કોટેશન મંગાવીને લાખોના કામ આપી દેવામાં આવેલ છે. મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ના ‘I follow Campaign’ કાર્યક્રમની જાહેરાત કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવેલ હોર્ડિંગની સંખ્યા ૪૦ અને ૨૭ છે. પણ એક પણ હોર્ડિંગના લોકેશન તથા હોર્ડિંગ લગાવવામાં આવેલાની ફોટો ઉપલબ્ધ નથી.
વર્ષ ૨૦૨૦ માં ૪૦ હોર્ડિંગ પેટે રૂ. ૧,૮૫,૨૬૦/- થથા તો વર્ષ ૨૦૨૧ માં ૨૭ હોર્ડિંગ પેટે રૂ. ૧,૮૯,૯૯૧/- ની ચુકવણી કરવામાં આવેલ છે, જે શંકાસ્પદ છે. વર્ષ ૨૦૨૦માં રૂ. ૧,૦૩,૮૪૦/- ચૂકવીને ૨૨,૦૦૦ જેટલા સ્ટીકરો ખરીદવામાં આવેલ હતા, ત્યારે વર્ષ ૨૦૨૧ માં રૂ. ૧,૦૦,૦૦૦/- આપીને ૪૦,૦૦૦ જેટલા સ્ટીકરો ખરીદી લીધા છે, જે શંકાસ્પદ છે. આ ઉપરાંત જે કંપની અસ્તીત્વમાં જ નથી તેવી કંપનીના નામે કોટેશન મેળવીને પોતાના મળતીયાને લાખો રૂપિયાનો ફાયદો કરાવ્યોનો પણ આક્ષેપ કરાયો છે. આ બાબતે રાજ્ય ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
પ્રતિભાવ માટે સંપર્ક કરતાં ટ્રાફિક ડીસીપીએ ફોન ઉપાડ્યો નહીં
આઇ ફોલો કેમ્પેઇનના કૌભાંડના આક્ષેપને કારણે પ્રતિભાવ જાણવા માટે ટ્રાફિક ડિસીપી પ્રશાંત સુંબેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોનનો રિપ્લાય આપ્યો ન હતો.